- ગોલથરા ગામમાં થયેલી સભામાં આચાર સહિતા નો સરેઆમ ભંગ…..
કલોલમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે નીત નવા વચનો આપી રહ્યા છે, લોભ લાલચ આપી રહ્યા છે. જેને લઈને ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાનો સામે આવ્યું છે. ભાજપના ઉમેદવાર બકાજી ઠાકોર ગોલથરા ગામે ચૂંટણી સભામાં હતા ત્યારે તેમની સાથે રહેલા ભાજપના આગેવાન રામાજી ઠાકોરે ગ્રામજનોને બે કરોડ રૂપિયા આપવાની વાત કરતા તેમની વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અન્ય હરીફ ઉમેદવારે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે જેને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગોલથરા ગામમાં ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપના હોદ્દેદાર રામાજી ઠાકોરે જણાવ્યું હતું કે ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગામમાં ખાલી હાથે ન જવા જણાવ્યું હતું જેને પગલે અમે ગામ માટે બે કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરીએ છીએ. ચૂંટણીમાં આચારસંહિતા લાગુ હોય ત્યારે આ રીતના પૈસા આપવાની વાત ન થઈ શકે તેમ છતાં ભાજપ દ્વારા ખુલ્લેઆમ મતદારોને રૂપિયા આપી ખરીદવાની ચેષ્ટા કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ચૂંટણીમાં કોઈ મુદ્દાથી વોટ ન મળતા ભાજપ હવે રૂપિયા આપી વોટ ખરીદવાની કોશિશ કરી રહ્યો છે તેમ પ્રસ્થાપિત થઈ ગયું છે.
આ રીતે પૈસા આપી વોટ મેળવોની રાજનીતિને પગલે અપક્ષ ઉમેદવાર રજની પટેલે કલોલના મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે અને ભાજપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.