તંત્રની ઘોર બેદરકારીને પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યુ……
કલોલમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ મહોલ સર્જાવા પાછળ નું મુખ્ય કારણ તંત્રની ઘોર બેદરકારી હોવાની વિગતો સામે આવી છે. આ બેદરકારીને કારણે કલોલના રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ફરી વળ્યું હતું. જેથી વાહન ચાલકો ને પણ અગવડતા નો સામનો કરવો પડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, કલોલ ના કવિતા સર્કલ પાસે આજરોજ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. પાણી ના વાલ્વ માં ખામી થવા ને પગલે પાણી લીકેજ થવાનું શરૂ થયું હતું. અને થોડાક જ સમયમાં કવિતા સર્કલ પાસેના વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. પાણી ફરી વળતા પતંગ સ્ટોલ તેમજ અન્ય સ્ટોલના માલ સામાન પલળી ગયા હતા. લોકો પોતાની સાધન સામગ્રીને પાણીથી પલળતી બચાવવા માટે પાણીનો નિકાલ કરતા પણ નજરે ચડ્યા હતા.
છેલ્લા બે દિવસથી આ પ્રકારે પાણીનો વ્યય થતો હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વાલ્વ માં ખામી સર્જાવા ને કારણે છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાય છે. તંત્રની આ ઘોર બેદરકારી ને પગલે આ વિસ્તારમાં આવેલ સ્ટોલ માં પાણી ઘૂસી ગયા હતા. જેથી આ સ્ટોલ માં રહેલી વસ્તુઓ પલળી હતી.
ઉપરાંત આ વિસ્તાર માંથી પસાર થતાં વાહન ચાલકો તેમનું વાહન પાણી માંથી નીકાળવા માટે મજબૂર બન્યા હતા. પાણીના વાલ્વમાં ખામી સર્જાતા છેલ્લા બે દિવસ થી આજ રીતે પાણી નો વ્યય થઇ રહ્યો છે.