કલોલમાં બોરીસણા,સઈજ અને આરસોડીયાનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની નાગરિકોમાં ચર્ચા 

કલોલમાં બોરીસણા,સઈજ અને આરસોડીયાનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની નાગરિકોમાં ચર્ચા 

Share On

કલોલમાં બોરીસણા,સઈજ અને આરસોડીયાનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની નાગરિકોમાં ચર્ચા

BY પ્રશાંત લેઉવા

 

કલોલ : રાજ્યમાં નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાતું અને ઉદ્યોગોથી ધમધમી રહેલ કલોલ શહેરને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી નાગરિકોમાં ચર્ચા ઉઠી છે. કલોલ નગરપાલિકા A ગ્રેડનની પાલિકા ગણાય છે. નવી વસ્તી ગણતરી થઇ નથી પણ અંદાજિત આંકડા અનુસાર કલોલ નગરપાલિકાના હદ વિસ્તારની કુલ જનસંખ્યા 2 લાખ આસપાસ થઇ શકે તેમ છે.

કલોલ નગરપાલિકાની હદને અડીને ત્રણ ગામડા આવેલા છે. કલોલની પૂર્વ તરફ આરસોડીયા, પશ્ચિમ તરફ બોરીસણા અને દક્ષિણ દિશા તરફ સઈજ ગામ છે. આ ત્રણ્ય ગામ સિવાય સોસાયટી વિસ્તાર આવેલ છે જેમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. સઈજ અને બોરીસણામાં અંદાજિત 20-20 હજાર લોકોનો વસવાટ છે તેમજ આરસોડીયા ગ્રામ પંચાયતમાં 10 હજારની જનસંખ્યા છે.  આમ કુલ 50 હજારથી 60 હજાર જેટલી જનસંખ્યા કલોલમાં ઉમેરાય તેમ છે. કલોલનો એરિયા 25.74 ચોરસ કિલોમીટર છે.

આ ત્રણેય ગ્રામ પંચાયતની હદમાં અનેક સોસાયટીઓ બની ગઈ છે તેમજ મકાનોની નવી સ્કીમ મુકાઈ રહી છે. આગામી સમયમાં વિસ્તાર અને વસ્તી બંને વધવાની શક્યતા છે. જેને પગલે ગ્રામ પંચાયત મર્યાદિત સંસાધનો સાથે પહોંચી વળે તેમ નથી.

આ સંજોગોમાં આ ત્રણેય ગ્રામ પંચાયતોને કલોલ શહેરમાં ભેળવી દઈને એક મહાનગરપાલિકાનું નિર્માણ કરવામાં આવે તેવી નાગરિકોમાં ચર્ચા થઇ રહી છે. કલોલ શહેરની આસપાસ પાંચ જેટલી મોટી જીઆઈડીસી આવેલી છે. ઇફ્કો અને ઓએનજીસી જેવી સરકારી અને સહકારી સંસ્થાઓ કાર્યરત છે. દિલ્હી-મુંબઈ મુખ્યલાઈન, દાદરીથી જવાહરલાલ  નહેરુ પોર્ટને જોડતી ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર રેલવે લાઈન અને રાજસ્થાનને જોડતો મહત્વનો હાઇવે પણ અહીંથી પસાર થાય છે.

કલોલ દિવસેને દિવસે વિકાસની હરણફાળ ભરીને વધી રહ્યું છે ત્યારે તેને મહાનગરનો દરજ્જો આપવામાં આવે તો નાગરિકોની સુખાકારી પણ વધે તેમ છે. જોકે મહાનગર બનવાથી ટેક્સનું ભારણ વધશે પરંતુ સામે પક્ષે વિકાસના રસ્તા પણ ખુલી જશે. મહાનગર પાલિકા બની જતા ગાંધીનગર સાથે કલોલ ટ્વીન સિટીનો વિકાસ પણ થઇ શકે તેમ જાગૃત નાગરિકોને લાગી રહ્યું છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ભવિષ્યમાં કલોલનો સમાવેશ ગાંધીનગર કે અમદાવાદમાં થઇ શકે છે.આ મામલે કલોલના રાજકારણીઓ રસ લે તો આગળ કઈંક થઇ શકે તેમ છે.

ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર કલોલની ચીખલીકર ગેંગના બે સભ્યો ઝડપાયા 

કલોલ સમાચાર