કલોલ પાલિકા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, શહેર કોંગ્રેસે ચૂંટણી પંચમાં નોંધાવ્યા ગંભીર વાંધા
Report BY Prashant Leuva
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી Kalol નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રસિદ્ધ કરવામાં આવેલા વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણીના પ્રાથમિક જાહેરનામા સામે કલોલ શહેર કોંગ્રેસે વાંધા ઉઠાવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ નાયકે આ અંગે રાજ્ય ચૂંટણી આયોગ અને ગાંધીનગર કલેક્ટરને પત્ર લખીને ફેરફાર કરવા સૂચનો રજૂ કર્યા છે.
કોંગ્રેસની રજૂઆત મુજબ, વોર્ડ નં. ૨ ની કુલ ૧૪,૭૭૫ ની વસ્તીમાં મોટાભાગે બક્ષીપંચ અને લઘુમતી સમાજના લોકો વસવાટ કરે છે. અહીં અનુસૂચિત જાતિની વસ્તી માત્ર ૯૩૯ હોવા છતાં એક બેઠક અનુસૂચિત જાતિ સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. આ ઓછી વસ્તી હોવા છતાં બેઠક અનામત રાખવાથી બક્ષીપંચ અને લઘુમતી સમાજના પ્રતિનિધિત્વને અન્યાય થાય તેમ હોવાથી, આ બેઠકને પછાતવર્ગ અથવા બિન-અનામત વર્ગ માટે ફાળવી અનુસૂચિત જાતિની બેઠક અન્ય વોર્ડમાં ખસેડવા સૂચન કરાયું છે.
બીજી તરફ, સીમાંકનમાં બોરીસણા ગ્રામના વિવિધ વિસ્તારો જેવા કે સમયપુરા, મોતીપુરા, જટકાપુરા અને ટેબોં વિસ્તારને વોર્ડ નં. ૧ માં સમાવવામાં આવ્યા છે. આ વિસ્તારોની અંદાજે ૧,૫૫૯ જેટલી વસ્તીને મતદાન કરવા માટે કલોલ-શેરીસા રોડ ક્રોસ કરીને જવું પડે છે. જો આ વિસ્તારોને સુચિત વોર્ડ નં. ૯ માં ભેળવવામાં આવે, તો બોરીસણા ગામનું બિનજરૂરી વિભાજન અટકાવી શકાય અને એક સળંગ વોર્ડ બની શકે તેમ છે. કલોલ શહેર કોંગ્રેસ સમિતિએ ભારપૂર્વક જણાવ્યું છે કે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રાથમિક આદેશમાં આ સુધારા ધ્યાને લઈને જ સીમાંકનની આખરી પ્રસિદ્ધિ કરવી જોઈએ.
