ગેરકાયદેસર બાંધકામ કરેલ બે દુકાનો પર નગરપાલિકાની તવાઈ……
કલોલ નગરપાલિકા દ્વારા આજરોજ ગેરકાયદેસર બાંધકામ કરેલી બે દુકાનોને તોડી પાડવામાં આવી હતી. જેમાં દુકાન માલિકને અગાઉથી નોટિસ આપીને જાણ પણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજરોજ બે દુકાનો ધરાશાઈ કરવામાં આવી હતી.
કલોલમાં ઠેર ઠેર વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. ગેરકાયદેસર બાંધકામોને કારણે જાહેર માર્ગો પણ સાંકડા થઈ રહ્યા છે. જેની ફરિયાદો અવારનવાર નગરપાલિકાને મળતી હોવાથી આજરોજ નગરપાલિકા દ્વારા ગુરુદ્વારા પાસે આવેલ અશોક રેડીમેડ નામની દુકાનના કમ્પાઉન્ડમાં અન્ય બે દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું. જેની નોટિસ નગરપાલિકા દ્વારા અગાઉ આ કમ્પાઉન્ડમાં અન્ય બે ગેરકાયદેસર બનાવેલ દુકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી હતી.
તે નોટિસને અનુસંધાને માલિક દ્વારા બે પાકી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં ન આવતા આજરોજ નગરપાલિકા દ્વારા બંને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તેમજ ગેરકાયદેસર બાંધકામ કરેલી પાકી બંને દુકાનોને તોડી પાડવામાં આવી હતી. કલોલમાં આ જ પ્રકારે અન્ય જગ્યાએ પણ લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે.
અન્ય જગ્યા પર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પણ તોડવામાં આવે તેવું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે. કલોલના ટાવર ચોક વિસ્તારથી પાંચ હાટડી બજાર તરફ જવાના રસ્તે ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. જેના લીધે જાહેર માર્ગો પણ સાંકડા થઈ ગયા છે. કલોલના અન્ય વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને પણ નગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવીને તોડવામાં આવે તેવી માંગ થઈ રહી છે.