કલોલ નગરપાલિકા પ્રમુખ-નગરસેવક વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા મામલો ગરમાયો

કલોલ નગરપાલિકા પ્રમુખ-નગરસેવક વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા મામલો ગરમાયો

Share On

કલોલ નગરપાલિકા પ્રમુખ-નગરસેવક વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા મામલો ગરમાયો

BY પ્રશાંત લેઉવા

કલોલ : કલોલ નગરપાલિકાના પ્રમુખનો વિવાદ સાથે જૂનો સંબંધ છે. પાલિકા પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે તુંતું મેંમેં થતા હવે નગર સેવકે પ્રમુખ સામે બાંયો ચડાવી છે. કલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર આઠના નગરસેવક જગદીશભાઈ પ્રજાપતિએ આક્ષેપ કર્યો છે કે પ્રજાના કામને લઈને નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ સાથે ફોન પર વાત કરતા તેમણે બિભત્સ ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેને પગલે હવે કાઉન્સિલરે પ્રમુખે કરેલા ગેરવર્તન મામલે બોર્ડ બેઠકમાં દરખાસ્ત મુકવાની રજુઆત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેરમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદી માહોલ છે. વરસાદ અને પવનને કારણે કોબ્રા સર્કલ પાસે આવેલો એક વીજળીનો થાંભલો જીવંત વાયર સાથે નીચે પડી ગયો હતો. આ થાંભલાને કારણે ત્યાંથી પસાર થતાં લોકોના જીવ પર જોખમ ઉભું થયું હતું. પાણી ભરાયેલ હોવાથી કરંટ લાગે તો મોટી જાનહાની થઈ શકે તેમ હતી. કક બાબતે વીજ વિભાગ દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી.

કોબ્રા સર્કલ પાસે વીજ પોલ પડી જતા તેના સમારકામ માટે સ્થાનિક નગરસેવક જગદીશ પ્રજાપતિએ ચીફ ઓફિસર અને કર્મચારીઓને જણાવ્યું હતું. આ બાદ કલોલ નગરપાલિકાનાં પ્રમુખ શૈલેષ પટેલને જાણ કરવા ફોન કરેલો હતો. ફોનમાં વાતચીત દરમિયાન શૈલેષ પટેલે ” તારાથી થાય તે કરી લે” તેમજ અન્ય અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આવા શબ્દપ્રયોગ કરીને પ્રમુખે વોર્ડ આઠનાં 9500થી વધુ લોકોનું અપમાન કર્યું હોવાનું જગદીશ પ્રજાપતિએ આક્ષેપ કર્યો છે.

નગરસેવકે હવે આ મુદ્દો નગરપાલિકા બોર્ડ બેઠકમાં લઈ જવા મન મનાવી લીધું હતું. તેમણે કલોલ નગરપાલિકામાં લેખિતમાં અરજી આપીને જણાવ્યું હતું કે પ્રમુખ લોકશાહી ઢબે ચૂંટાયેલ હોવા છતાં મારુ અને વોર્ડનાં નાગરીકોનું અપમાન કરે તે શોભાસ્પદ નથી જેથી તેમની વિરુદ્ધ શિસ્તભંગનાં પગલાં કેમ ન ભરવા. આ દરખાસ્ત મામલે સમગ્ર સભાસદોનો મત લઈને લોકશાહીને છાજે તેવા પગલાં ભરવા રજુઆત છે.

પ્રમુખે ઘટનાને રદિયો આપ્યો

આ મામલે કલોલ નગરપાલિકાનાં પ્રમુખે જણાવ્યું હતું કે સમગ્ર બાબત દુર્ભાગ્યપૂર્ણ છે. વીજળીનો થાભલો પડી ગયા બાદ તરત જ નગરપાલિકાનાં કર્મચારીઓને તેને રીપેર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ગણતરીનાં કલાકોમાં તેનું સમારકામ કરી દેવાયું હતું.

પ્રમુખ વિરુદ્ધ અગાઉ પણ હતો અસંતોષ

કલોલ નગરપાલિકામાં જ્યારથી શૈલેષ પટેલ પ્રમુખ પદ પર બેઠાં છે ત્યારથી સતત વિવાદોમાં રહ્યા છે. શૈલેષ પટેલની પ્રમુખ પદે નિમણૂક સત્તાધારી પક્ષના નગરસેવકોની નારાજગી વચ્ચે થઈ હતી. રાતોરાત શૈલેષ પટેલને પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો હતો જેને પગલે નવ જેટલા નગરસેવકોમાં રોષ વ્યાપ્યો હતો. આ નગરસેવકોએ નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. જોકે ભાજપ પક્ષ દ્વારા યેનકેન પ્રકારે નારાજ નગર સેવકોને મનાવી લેવાનું નાટક કરવામાં આવ્યું હતું. જોકે આજ દિન સુધી મનથી આ નગરસેવકો કલોલ નગરપાલિકાનાં સત્તાપક્ષ તરફે નથી. અત્યારે પણ નારાજ નવ જેટલા નગરસેવકો પ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની વિરુદ્ધમાં છુપો અસંતોષ ધરાવે છે ત્યારે વોર્ડ નંબર 8ના નગરસેવક જગદીશ પ્રજાપતિને પ્રમુખે મન ફાવે તેમ વાણી વિલાસ કરતા આ રોષ આગામી સમયમાં વધી શકે છે.

શું હતી સમગ્ર બાબત ?

કલોલ સમાચાર