કલોલ: પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે પોલીસ અને પેટ્રોલિયમ એસોસિએશનની મહત્વની બેઠક

કલોલ: પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે પોલીસ અને પેટ્રોલિયમ એસોસિએશનની મહત્વની બેઠક

Share On

કલોલ: પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે પોલીસ અને પેટ્રોલિયમ એસોસિએશનની મહત્વની બેઠક

 

Report By Prashant Leuva

 

કલોલ:

હાલમાં પેટ્રોલ પંપો પર ઉમટી પડેલી ભારે ભીડ અને અછતની આશંકાઓને પગલે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. પી.આઈ. આર.આર. પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ મીટિંગમાં કલોલ પેટ્રોલિયમ એસોસિએશનના હોદ્દેદારો અને પેટ્રોલ પંપના સંચાલકો હાજર રહ્યા હતા.

પુરવઠો પૂરતો છે, અછત નથી: એસોસિએશન

બેઠક દરમિયાન પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, વિસ્તારમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ જ અછત નથી અને સપ્લાય ચેઈન સતત કાર્યરત છે. અમુક પંપ પર અચાનક ભીડ વધવાને કારણે સ્ટોક વહેલો પૂરો થઈ ગયો છે, જે સવાર સુધીમાં ફરી રાબેતા મુજબ ઉપલબ્ધ થઈ જશે.

સંચાલકોએ જણાવ્યું હતું કે, પંપ પર વાહનોની વધુ ભીડ હોવાને કારણે ઈંધણ લઈને આવતા ટેન્કરો ખાલી કરવામાં મુશ્કેલી પડી રહી છે. સુરક્ષાના નિયમો મુજબ, ટેન્કર ખાલી કરતી વખતે પંપ પરિસર ખાલી હોવું અનિવાર્ય છે, જે ભીડને કારણે શક્ય બનતું નથી.

પોલીસ તંત્ર આપશે સહયોગ

લોકોની ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલીંગ વધારવાની અને પંપ સંચાલકોને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી છે.

પેટ્રોલ પંપ સંચાલકો માટે જાહેર કરાયેલી મહત્વની સૂચનાઓ:

બેઠકમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા એસોસિએશનને નીચે મુજબની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા જણાવાયું છે:

શિસ્તબદ્ધ લાઈન: પંપ પર આવતા તમામ વાહનોની યોગ્ય લાઈન કરાવવી.

કેરબા પર પ્રતિબંધ: ઈંધણ માત્ર વાહનોની ટાંકીમાં જ ભરવું. કેરબા કે મોટા ડ્રમમાં ફ્યુલ આપવું નહીં, જેથી બિનજરૂરી સંગ્રહખોરી અટકાવી શકાય.

સ્ટાફમાં વધારો: ગ્રાહકોને ઝડપથી સુવિધા મળી રહે તે માટે કર્મચારીઓની સંખ્યા વધારવી.

શાંતિની અપીલ: પંપ પર આવતા લોકોને ગભરાટ ન ફેલાવવા અને શાંતિ જાળવવા સતત વિનંતી કરવી.

સુરક્ષા તકેદારી: અગ્નિશમન અને સુરક્ષાના તમામ સાધનો સજ્જ રાખવા.

પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા પણ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી છે અને જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે.

 

 

કલોલ સમાચાર