અહો આશ્ચર્યમ : કારોબારી બેઠક નગરપાલિકાને બદલે ખાનગી હોટેલમાં રખાતા કચવાટ
કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવેલ નગરપાલિકા ભવન શું ધોઈ પીવા રાખ્યું છે તેવી ચર્ચા જામી
કલમ 51(4) અનુસાર ખાસ કારણ સિવાય બેઠક પાલિકાની ઇમારતમાં જ યોજાવી જોઈએ. નોટીસમાં પણ કલોલ નગરપાલિકા બેઠકનું સ્થળ દર્શાવ્યું છે.
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ નગરપાલિકાની બહુચર્ચિત કારોબારી બેઠક તો યોજાઈ પરંતુ ખાનગી સ્થળે રાખવામાં આવતા કચવાટ ફેલાયો છે. કરોડોના ખર્ચે કલોલ નગરપાલિકાનું અત્યાધુનિક બિલ્ડીંગ ઊભું કરવામાં આવ્યું છે. અહીં તમામ આધુનિક સુવિધાઓ છે તેમ છતાં કારોબારી સમિતિની બેઠક એક હોટેલમાં રાખવામાં આવી હતી. આ બેઠકમાં સાત સભ્યો ઉપસ્થિત રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટનાક્રમમાં ચેરમેન બીમાર હોવાનું કારણ આગળ ધર્યું હતું.
કલોલ નગરપાલિકા અને વિવાદ એકબીજાના પૂરક બની ગયા છે. છેલ્લા કેટલાય સમયથી કલોલ નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચાલે છે જેને કારણે પ્રજાકીય કામો ઉપર અસર પડી છે ત્યારે રોજે રોજ નવા વિવાદો બહાર આવતા શહેરમાં ભાજપની આબરૂ પણ ખરડાઈ છે.
કલોલ નગરપાલિકાની કારોબારી બેઠક રાખવામાં આવી હતી ત્યારબાદ તેને અનિવાર્ય સંજોગોને કારણે રદ કરી દેવાઈ હતી. જેને પગલે મીડિયામાં અહેવાલ પ્રસાધિત થતા તાત્કાલિક ધોરણે ગુરુવારના રોજ નગરપાલિકામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પણ અચાનક જ સ્થળ બદલીને એક ખાનગી જગ્યાએ કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી જેને પગલે રોષ ફેલાયો છે.
સરકાર દ્વારા કલોલ નગરપાલિકાનું મોટુ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. અહીંથી કલોલ નગરપાલિકાના તમામ વહીવટ થતા હોય છે. કારોબારી સમિતિની બેઠક સૌથી અગત્યની ગણાતી હોય છે. આ નગરપાલિકાની ઇમારતથી નિર્ણયો લેવાને બદલે એક ખાનગી જગ્યાએથી સમગ્ર શહેરના વિકાસના નિર્ણયો લેવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે તેઓ સવાલ પણ ઉપસ્થિત થયો છે.