કલોલ રેફરલ હોસ્પિટલમાં ચાલતી લાલિયા વાડીથી દર્દીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા….
કલોલમાં આવેલી રેફરલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં સપડાતી રહેતી હોય છે. આ હોસ્પિટલમાં કાર્યરત અધિકારીઓ અવારનવાર દર્દીઓ સાથે ગેરવર્તન કરતા પણ નજરે ચડતા હોય છે.ત્યારે વધુ એક વિવાદમાં કલોલ રેફરલ હોસ્પિટલે નામના મેળવી છે. વિવાદનું મુખ્ય કારણ અકસ્માતમાં ઘાયલ થયેલ દર્દીને પ્રાથમિક સારવાર આપવામાં આવી ન હોવાના આક્ષેપો દર્દી ના પરિવારજનો દ્વારા કરવા માં આવ્યા છે.
મળતી વિગતો મુજબ, ગત સોમવારે બપોરના બે વાગ્યાની આસપાસ છત્રાલ નિરમા કંપની પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે હેતુ થી કલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી ન હતી. પહેલા દર્દીનું નામ લખાવો પછી ટ્રીટમેન્ટ કરીએ તેવું સિવિલના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલ થયેલ બાઈક ચાલક ગણપત ભાઈ ગુર્જર ના ભાઈ લહરિલાલ ગૂર્જર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમના ભાઈ ગણપત ની હાલત ગંભીર હોવા છતાં, તેમને બેડ આપવામાં આવ્યો ન હતો, તદુપરાંત તેમના શરીરમાંથી લોહી નીકળતું હોવા છતાં પાટો પણ બાંધવામાં આવ્યો ન હતો.
વધુ માં તેમના દ્વારા જણાવવા માં આવ્યું હતું, કે હોસ્પિટલના કર્મચારીઓ તેમનું મનસ્વી વર્તન કરતાં જોવા મળ્યા હતા, પહેલા ઘાયલ થયેલ દર્દીનું નામ લખાવો અને પછી તેમની સારવાર શરૂ કરવામાં આવશે તેવી હઠ પકડીને બેસેલા આ રેફરલ હોસ્પિટલના કર્મચારીઓએ માનવતા મરી પરવારી હોય તેમ દર્દીને કોઈપણ પ્રકારની પ્રાથમિક સારવાર તેમજ લોહી નીકળતા ભાગે પાટો પણ બાંધ્યો ન હતો. જેથી લોહી દદરતિ હાલતમાં ગણપતભાઇ ગુર્જર ને વધુ સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાની વિગતો સામે આવી રહી છે. દર્દીને યોગ્ય સારવાર ન મળતા પરિવારજનોમાં કલોલ રેફરલ હોસ્પિટલમાં કાર્યરત અધિકારીઓ પ્રત્યે રોષ ની લાગણી ફેલાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કલોલ રેફરલ હોસ્પટલ માં દર્દીઓ ની હાલત દિવસે ને દિવસે કથળતી જઇ રહી છે. પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે સરકાર પોતે સમગ્ર ફરિયાદો ને ધ્યાને લઇ તપાસ કરાવે, હવે તો કલોલ માં ચૂંટાયેલ ધારાસભ્ય પણ ભાજપ ના છે, જેથી ઝડપ થી યોગ્ય નિર્ણય લઇ હયાત સ્ટાફ નું ટ્રાન્સફર કરવામાં આવે અને નવો સ્ટાફ નીમવામાં આવે તો અને તો જ કલોલ માં ચર્ચા નો વિષય બનતી આ રેફરલ હોસ્પિટલ ની સ્થિતિ સુધરશે તેમ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.