કલોલ પૂર્વમાં ONGC રોડથી જયવિજય સોસાયટી સુધીનું દબાણ દૂર કરવા અનેક અરજી છતાં ઔડા નિષ્ક્રિય
કલોલ પૂર્વમાં રસ્તા અને સોસાયટીનું દબાણ દૂર કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં દબાણ દૂર કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ થયો છે. કલોલના ઓએનજીસી રોડથી જાય વિજય તેમજ પુષ્પકુંજ સોસાયટી તરફ જતા માર્ગનું દબાણ ઔડા દ્વારા દૂર કરવામાં આવતું નથી. આ ઉપરાંત સોસાયટીમાં આંતરિક દબાણ દૂર કરવાની પણ અનેક અરજી છતાં તેને દૂર કરાયું નથી.

અગાઉ આ રોડ બનાવવા માટે ઔડા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જોકે નિયત પહોળાઈ કરતા ઓછી પહોળાઈનો માર્ગ બનાવતા બાકીનું દબાણ દૂર થયું નથી. આ મામલે અરજદારે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. અરજદારે જણાવ્યું હતું કે નવ મીટરનો રોડ ફક્ત કાગળ પર જ છે. ઔડા દ્વારા જે દબાણ દૂર કરવાનું હતું તે કરવામાં આવ્યું નથી. આ માર્ગ સાંકડો હોવાથી ભવિષ્યમાં ટ્રાફિક જેવી સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે.
