પાઇપલાઇન ના કામમાં થઈ રહી છે બેદરકારી……
કલોલમાં ખોદવામાં આવી રહેલ આડેધડ અને બેફામ ખોદકામથી નાગરિકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.કલોલ નગરપાલિકા દ્વારા ખોદકામમાં કોઈપણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી,બસ મન ફાવે તેમ કોન્ટ્રાક્ટરને કહીને ખોદકામ ચાલુ કરી દેવામાં આવે છે જેને કારણે લોકો અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.કલોલના વિસ્તારોમાં પાઇપલાઇનનો નાખવાનું કામ ચાલી રહ્યું છે.
વર્ધમાન નગરમાં પાઇપલાઇન નાખવાના કામમાં મોટો ભ્રષ્ટાચાર તેમજ બેદરકારી જોવા મળી રહે છે.કોન્ટ્રાક્ટર દ્વારા ખાડામાં પાણી ભરેલ હોવા છતાં ઊંધું ઘાલીને કંઈપણ જોયા જાણ્યા વિના સીધી જ પાઇપલાઇન ગોઠવવામાં આવી રહી છે જેને કારણે આગળ જતા પાણીના નિકાલ માટે તકલીફ પડવાની સંભાવના પણ જોવા મળે છે. કલોલમાં સરદાર બાગ પાસે આવેલ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આ પાઇપલાઇન ના કામગીરી દરમિયાન ગટર અને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાના બનાવ પણ સર્જાય છે. આ ભંગાણ અને કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતું હોય છે. આ સંજોગોમાં જો કોઈ ત્યાંથી પસાર થાય અને પડે તો તેની જવાબદારી કોણ લેશે તેઓ પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈપણ જાતનું ધ્યાન રાખવામાં આવતું નથી.
આ બેદરકારીને કારણે અકસ્માત થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. પાણી ભરેલા ખાડાઓમાં સીધી પાઇપ ઉતારી દેવાથી યોગ્ય પુરાણ પણ ન થાય તેવી શક્યતા છે. આ સંજોગોમાં પાલિકા દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. કલોલ નગરપાલિકા વર્તમાન સમયમાં સાવ નિષ્ફળ સાબિત થઈ છે તે સંજોગોમાં ઉચ્ચ કક્ષાએથી પણ ધ્યાન ધરવામાં આવે તે લોકો માંગ કરી રહ્યા છે.