- ઔડાએ વર્ષ 2002ના નકશામાં રહેલ રોડ 2011માં દૂર કરી દીધો
-
તત્કાલીન પાલિકા પ્રમુખે પણ ઉપવાસ પર બેસવા આપી હતી ચીમકી
Story BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી અમરપાર્ક સોસાયટી,આનંદ પાર્ક સોસાયટી,સ્નેહસાગર સોસાયટી,નવસર્જન સોસાયટી,ગાયત્રી રો હાઉસ, સૂર્યનગર સોસાયટી અને નિર્ણયનગર સોસાયટી દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ટીપી નંબર ત્રણમાં રસ્તો આપવાની માંગ કરાઈ રહી છે. તેમ છતાં ઔડા દ્વારા આ મામલે કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. પાણીની ટાંકીથી અંકુરના મેદાન સુધી 18 મીટરનો રોડ ટીપી ત્રણના ડ્રાફ્ટમાં હતો ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે.
અમરપાર્ક સોસાયટી,આનંદ પાર્ક સોસાયટી,સ્નેહસાગર સોસાયટી,નવસર્જન સોસાયટી,ગાયત્રી રો હાઉસ, સૂર્યનગર સોસાયટી અને નિર્ણયનગર સોસાયટીનો 18 મીટરનો ડીપી રોડ કે જે પાણીની ટાંકીથી નિર્ણય નગર સુધીનો જેને 18 મે 2002ના વિકાસ નકશામાં દર્શાવેલ હતો પરંતુ નવીન ડ્રાફ્ટ ટીપી 3 – 2011 બનાવતી વખતે આ રોડને રદ કરી નાખવામાં આવ્યો હતો. આ રોડ ને પરત મેળવવા રહીશોએ લાગતી વળગતી કચેરીઓમાં અરજી તેમજ ઉપવાસ આંદોલન કરેલ હતું.જોકે ટીપીઓની નિમણુંક થાય ત્યારબાદ જ આ રસ્તા અંગે કામગીરી થશે તેવું જણાવવામાં આવ્યું હતું, ઔડામાં ટીપી ઓફિસરો આવ્યા અને ગયા પરંતુ હજુ સુધી રસ્તા અંગે કોઈ કાર્યવાહી થઇ નથી.
ઔડાની અવળચંડાઈથી કંટાળીને રહીશોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું. ઉપવાસને પગલે ઔડાએ રસ્તો ખોલવા અંગે હૈયાધારણ આપી હતી. જેને પગલે તત્કાલીન પ્રમુખ પ્રહલાદ મુખીએ ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા. આ પારણાંમાં કલોલ ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તો નહિ બને તો તત્કાલીન પાલિકા પ્રમુખે પણ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.
જોકે આ ઘટનાને પણ એક દશકો વીતી ગયો પણ આ પાંચથી છ સોસાયટીઓના રહીશોને હજુ સુધી માર્ગ મળ્યો નથી. તંત્ર દ્વારા વહેલી તકે રહીશોની રજુઆતને ધ્યાને લઈને કે કામગીરી કરવામાં આવે તે ઇચ્છનીય છે.