ધારાસભ્ય બકાજી ઠાકોર ની ટકોર બાદ કલોલ સીએચસીમાં બંધ પડેલ એક્સ-રે મશીન ચાલુ કરવામાં આવ્યું……
ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા કેટલાય સમયથી બંધ અવસ્થામાં રહેલું એક્સ-રે મશીન હવે ચાલુ થઈ ગયું છે. આ એક્સ-રે મશીન છેલ્લા કેટલાય સમયથી બંધ અવસ્થામાં હોવાથી મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેથી હરકતમાં આવેલા તંત્રએ સફાળું જાગીને આ એક્સ-રે મશીન ચાલુ કરાવ્યું હતું.
થોડાક સમય પહેલા જ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર (બકાજી) એ કલોલ સીએચસી સેન્ટરની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ ઓચિંતી મુલાકાતમાં રેફરલ હસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેથી ધારાસભ્ય દ્વારા સીએચસી સેન્ટર માં કાર્યરત સ્ટાફ નો ઉધડો લેવામાં આવ્યો હતો. ધારાસભ્યની આ ઓચિંતી વિઝીટ દરમિયાન એક્સ-રે મશીન બંધ અવસ્થામાં જોવા મળ્યું હતું. જેથી ધારાસભ્ય દ્વારા આ મુદ્દે સિવિલ પ્રશાસનનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેથી તંત્ર દ્વારા ત્વરિત ધોરણે એક્સ-રે મશીન ચાલુ કરવામાં આવ્યું છે.
કલોલ સીએચસી સેન્ટર ખાતે બંધ પડેલું એક્સરે મશીન હવે ચાલુ થઈ જતા ગરીબ તેમજ મધ્યમ વર્ગને મોટો ફાયદો થશે. અગાઉ સીએચસી સેન્ટર ખાતે બંધ પડેલ એક્સ-રે મશીનને કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગને પૈસા ખર્ચીને બહાર એક્સ-રે કઢાવવા માટે જવું પડતું હતું. જ્યારે હવે સીએચસી સેન્ટર ખાતે નિશુલ્ક ચાલુ કરવામાં આવેલ એક્સ રે મશીન થી ગરીબ તેમજ મધ્યમ વર્ગને મોટો લાભ થશે તેમ ચોક્કસથી લાગી રહ્યું છે.