બોર્ડર પર દીવાલ કૂદીને અમેરિકામાં ઘૂસવા જઈ રહેલા કલોલના યુવાન નું મોત, પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત…..
અમેરિકા પહોંચવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. કલોલના એક પરિવાર સહિત 40 લોકો મેક્સિકો બોર્ડર પાર કરીને અમેરિકા પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ પરિવારમાં પતિ, પત્ની અને 3 વર્ષનું બાળક પણ હતું. પત્ની દીવાલ પર ચઢી તો ગઈ પરંતુ તે અમેરિકાની હદમાં પટકાઈ જ્યારે પતિનું નીચે પડવાને કારણે મૃત્યુ થયું છે.
બોર્ડર ક્રોસ કરતાં મૃત્યુ પામેલ યુવક છત્રાલ પાસે આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતો હોવાની માહિતી મળી છે, આશાસ્પદ યુવાનના મૃત્યુ ના સમાચાર સાંભળીને તેની માતા અને પરિવારજનો માં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કલોલના આ યુવકની ઓળખ બ્રિજ કુમાર યાદવ તરીકે થઈ છે. છત્રાલ માં આવેલ ગેલેકસી એપાર્ટમે્ટ નો રહેવાસી છે. અમેરિકા અને મેક્સિકોની સરકારી સંસ્થાઓએ બ્રિજ કુમાર યાદવની પત્ની અને બાળકનું નામ હજુ સુધી જાહેર કરેલ નથી.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ ગાંધીનગરના કલોલમાં રહેતા બ્રિજ કુમાર યાદવ તેના ત્રણ વર્ષના બાળક અને પત્ની સાથે મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે આ ત્રણેય સભ્યો 30 ફૂટ ઊંચી ટ્રમ્પ વોલ ઉપરથી પટકાયા હતા. આ ઘટનામાં બ્રિજકુમાર યાદવનું મૃત્યુ થયું હતું, તેમજ તેની પત્ની અને માસૂમ પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મેક્સિકો-અમેરિકન દિવાલ, જેને ડોનાલ્ડ ટ્રમ્પ સરહદ દિવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિજ યાદવ કલોલ જીઆઈડીસીમાં નોકરી કરતો હતો. તે તેના પરિવાર સાથે ગેરકાયદેસર રીતે અમેરિકા માં ગુસણખોરી કરવા ત્યાં પહોંચ્યો હતો.
આ સમગ્ર મામલે ગાંધીનગર અધિક નિવાસી કલેક્ટરે નોંધ લીધી છે. કલેક્ટર ભરત જોશીએ ગેરકાયદેસર પ્રવેશની ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે. કલોલમાં સતત બની રહેલી આ ઘટનાઓ હવે મોટો પ્રશ્ન ઉભો કરે છે.