કલોલ પૂર્વના નાગરિકો માટે હાઇવે પર પહોંચવાનો આસાન રસ્તો ગણાતો ૨૪ મીટરનો રોડ અત્યારે તંત્રની બેદરકારીનો નમૂનો બની ગયો છે. ઔડા દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરીમાં મોરારજી નગર પાસે રોડને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે આ કામ શરૂ થયું ત્યારે એવા દાવા કરવામાં આવ્યા હતા કે આ માર્ગ સઈજ થઈને સીધો અમદાવાદ-મહેસાણા હાઈવેને જોડશે, પરંતુ હાલમાં આ દાવાઓનું સૂરસૂરિયું થઈ ગયું હોય તેમ જણાય છે.
મોરારજી નગરથી રેલવે ગરનાળા સુધીનો માત્ર ૨૦૦ મીટરનો માર્ગ બનાવવામાં ઔડા દ્વારા દાખવવામાં આવતી બેદરકારીને કારણે આખા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ જ મરી પરવાર્યો છે. જો આ ૨૦૦ મીટરનું અંતર કાપવામાં ન આવે, તો પૂર્વના નાગરિકો માટે હાઇવે સુધી પહોંચવું અશક્ય છે. ત્રણ મહિનાથી ચાલી રહેલા કાચબા ગતિના કામને કારણે લોકો પહેલેથી જ પરેશાન હતા, તેમાં હવે રોડ અધવચ્ચે છોડી દેવાના નિર્ણયે બળતામાં ઘી હોમ્યું છે.
કલોલની ફૂટપાથો પર પાકી દુકાન ધરાવતા વેપારીઓનો કબજો,ગરીબ લારી પાથરણા વાળા ખોટા બદનામ થયા
બીજી તરફ, પૂર્વ વિસ્તારની જ અન્ય એક મહત્વની કડી એવી રઘુવીર ચોકડીની હાલત પણ દયનીય છે. ચોકડીની આસપાસના ૧૨ મીટરના રસ્તા પહોળા કરવા માટે અગાઉ મોટાભાગના દબાણો તો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ કેટલાંક દબાણો તંત્રની રહેમનજર હેઠળ અકબંધ હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક રહીશોની માંગ છે કે ચોમાસાના આગમન પહેલા જ આ બાકી રહેલા દબાણો દૂર કરી ચારેય રસ્તાઓ પહોળા કરવામાં આવે. જો ઔડા વહેલી તકે જાગશે નહીં, તો આગામી વરસાદમાં આ વિસ્તારમાં ટ્રાફિક અને જળબંબોળની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરશે.
