કલોલમાં આજે ભાજપ સહીત અન્ય પક્ષો ચૂંટણી ફોર્મ ભરશે
રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. કલોલમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે સોમવારે જંગી જનમેદની સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આજે ભાજપ અને આમ આદમી પક્ષ દ્વારા ચૂંટણી ફોર્મ ભરાશે. ભાજપમાંથી બકાજી ઠાકોર અને આમ આદમી પાર્ટીમાંથી કાંતિજી ઠાકોર આજે છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરશે.
કલોલમાં અત્યારસુધી કુલ સાત ફોર્મ ભરાયા છે. જેમાં કોંગ્રેસ,બહુજન સમાજ પાર્ટી,ગરવી ગુજરાત પાર્ટી,આદિ ભારત પાર્ટી અને અપક્ષોનો સમાવેશ થાય છે. કલોલમાં આ વખતે બંને મુખ્ય પક્ષોએ ઠાકોર ઉમેદવાર ઉતારતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.

ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બળદેવજી ઠાકોરે વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપના રાજમાં મોંઘવારી આસમાને પહોંચી છે. ડોલરનો ભાવ ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. ભાજપે યુવાનો માટે સરકારી નોકરી બંધ કરી દીધી છે. કાયમી નોકરીને બદલે કોન્ટ્રાકટ પદ્ધતિ અમલમાં મૂકીને શોષણ કરાઈ રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.