કલોલ પૂર્વમાં અસામાજિક પ્રવુતિઓ ડામવા જાગૃત યુવાનોની માંગ, આવેદનપત્ર અપાયું
કલોલ, ગુજરાત: કલોલ શહેરના રેલ્વે પાછળના વિસ્તાર અને આરસોડિયા ગામની આસપાસ લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો બોલબાલો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂ, ગાંજો, ચરસ જેવા નશાકારક પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ખુલ્લેઆમ ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક યુવાનો નશાની લતનો શિકાર બની રહ્યા છે. આવા વ્યસનોના લીધે યુવાનો આર્થિક અને શારીરિક રીતે બરબાદ થઈ રહ્યા છે. જેને પગલે પૂર્વ વિસ્તારના જાગૃત નાગરિકોએ ડીવાયએસપી અને ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું છે.

રેલ્વે પૂર્વ વિસ્તારના રસ્તાઓ અને ચાર રસ્તાઓ પર રાત્રે અસામાજિક તત્ત્વો દ્વારા અડ્ડાઓ જમાવવામાં આવે છે, જેના કારણે નુસન્સ ફેલાય છે. આ ઉપરાંત, રસ્તાઓ અને ફૂટપાથ પર વાહનોનું અનધિકૃત પાર્કિંગ તથા લારી-ગલ્લાઓના દબાણથી રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને રઘુવીર ચાર રસ્તા પર આ સમસ્યા વધુ ગંભીર બની છે. અહીંથી સાંજે છ વાગ્યા પછી મહિલાઓ પસાર થઇ શકતી નથી. અમુક દુકાનોમાં દારૂ પણ પીવાતો હોય છે.રેલ્વે પૂર્વને જોડતો અંડરબ્રિજ પણ અત્યંત સાંકડો છે, જ્યાં રાહદારીઓ, વિદ્યાર્થીઓ, મોટરસાયકલ અને રિક્ષાઓની અવરજવર એકસાથે થાય છે. અહીં બેફામ રિક્ષાચાલકો અને લાઇસન્સ વગરના નાના છોકરાઓ દ્વારા વાહનો હંકારવાથી અકસ્માતનો ખતરો રહેલો છે. આ ઉપરાંત, રખડતાં ઢોરોનો ત્રાસ પણ આ વિસ્તારમાં વધ્યો છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને જોખમનો સામનો કરવો પડે છે.