મનસ્વી વર્તન કરતા રેફરલ હોસ્પિટલ ના અધિકારીઓનો ધારાસભ્યએ ઉધડો લીધો…….
કલોલ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે અવારનવાર ગેરવર્તણુક કરવામાં આવતી હોવાની ફરિયાદોનો રાફડો ફાટી નીકળ્યો હતો. જેનો અહેવાલ કલોલ સમાચાર દ્વારા ગઇકાલે જ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે અહેવાલ પ્રસારિત થતા કલોલ ધારાસભ્ય દ્વારા રેફરલ હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.
કલોલ રેફરલ હોસ્પિટલ માં કામ કરતા અધિકારીઓ તેમના મનસ્વી સ્વભાવને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. બે દિવસ અગાઉ છત્રાલ નજીક આવેલ નિરમા કંપની પાસે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં કુલ ત્રણ યુવકો ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે હેતુથી કલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલ ને કોઈ પણ પ્રકાર ની પ્રાથમિક સારવાર આપવામાં આવી ન હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં કાર્યરત અધિકારીઓ દ્વારા ઘાયલ ગણપતભાઈ ગુર્જર ને કોઈપણ પ્રકારની પ્રાથમિક સારવાર આપવામાં આવી ન હતી. માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાતા ગણપતભાઈ ના પરિવારજનો દ્વારા તેમને લોહી દદરતી હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવા માં આવ્યા હતા. જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રેફરલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી નો પર્દાફાશ કલોલ સમાચાર દ્વારા કરવા માં આવતા આજરોજ ધારાસભ્ય દ્વારા કલોલ સિવિલની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી.
રેફરલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીથી દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર દર્દીઓ ની ફરિયાદો સામે આવી છે, પ્રજા નો અવાજ બની ને કલોલ સમાચાર દ્વારા સત્યતા ઉજાગર કરવા માં આવી હતી, અને અહેવાલ પ્રસારિત થતાં તંત્ર દોડતું થયું હતું. જેને પગલે ધારાસભ્ય દ્વારા કલોલ રેફરલ હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લઈ પરિસ્થિતીની તાકીદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમજ ધારાસભ્ય દ્વારા કડક શબ્દોમાં દર્દીઓ સાથે ગેરવર્તન કરવાનું બંધ કરવામાં આવે તેવું રેફરલ હોસ્પિટલમાં કાર્યરત અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કલોલ સિવિલ લાલિયાવાડીનું મુખ્ય કેન્દ્ર બની ગયું હોય તેમ રેફરલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા મનસ્વી વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને સુધારવા માટે હયાત સ્ટાફનું ટ્રાન્સફર કરવામાં આવે અને નવો સ્ટાફ મૂકવામાં આવે તો અને તો જ રેફરલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીનો અંત આવશે અને દર્દીઓની સ્થિતિ સુધરશે તેમ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. વધુ માં પરિવારજનો એ પ્રજા ને પડતી અગવડતા નો અને સિવિલ માં ચાલતી લાલિયાવાડી નો પર્દાફાશ કરનાર કલોલ સમાચાર નો આભાર વ્યક્ત કર્યો હતો.