કલોલમાં ફટાકડાના ગોડાઉનોમાં તપાસના નામે અધિકારીઓએ માત્ર નાટક ભજવ્યું 

કલોલમાં ફટાકડાના ગોડાઉનોમાં તપાસના નામે અધિકારીઓએ માત્ર નાટક ભજવ્યું 

Share On

કલોલમાં ફટાકડાના ગોડાઉનોમાં તપાસના નામે અધિકારીઓએ માત્ર નાટક ભજવ્યું

તપાસ બાદ જ 11 સ્થળોએ નીતિ નિયમોનો ભંગ સામે આવ્યો, બાકી અત્યાર સુધી અધિકારીઓની રહેમનજર હેઠળ મોતનો વેપલો ચાલુ જ હતો 

પ્રશાંત લેઉવા ।  કલોલ સમાચાર 

 

કલોલ : ડીસામાં ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 લોકોના મૃત્યુ થયા છે. નિર્દોષ મજૂરોએ જીવ ગુમાવતા હવે રાજ્ય સરકાર જાગી છે અને ઠેર ઠેર ફટાકડાની દુકાનો અને ગોડાઉનોમાં  તપાસ હાથ ધરી છે. કલોલ શહેરમાં પણ તંત્ર દ્વારા ફટાકડાની દુકાનોમાં તપાસનું માત્ર નાટક ભજવાયું હતું. કલોલ શહેરમાં આવેલા ફટાકડાના ગોડાઉન અને દુકાનોમાં તંત્ર દ્વારા ઉપરછલ્લી તપાસ કરીને નાટકીય કામગીરી કરીને ચાલતી પકડી હતી.

કલોલ શહેરમાં ફટાકડા સંગ્રહ કરતા 11 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ વેપારીઓ પાસે લાયસન્સ હતું જ નહીં. ફટાકડાનું ગોડાઉન ગેરકાયદે હતું. ફાઈલ પ્રાંતમાં અટવાઈ હતી, પરમીટ રીન્યુ નહોતી થઇ આવી અનેક બાબતો બહાર આવી હતી પણ આ તમામ જવાબદારીઓ અને નીતિ નિયમોનું પાલન થાય તે જોવાનું કામ અધિકારીઓનું છે. આતો આકસ્મિક તપાસ હાથ ધરાઈ ત્યારે લાપરવાહી બહાર આવી ત્યાં સુધી તો અધિકારીઓની રહેમનજર હેઠળ આ વેપલો ચાલી જ રહ્યો હતો.


કલોલ શહેરમાં અનેક જગ્યાએ વર્ષોથી ફટાકડા વેચાય છે. ફટાકડાનો સંગ્રહ થતો હોય છે પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે જ આ બધી તપાસ એજન્સીઓ ઊંઘમાંથી સફાળી જાગતી હોય છે અને પોતાની ફરજ છે તેમ સમજીને કામગીરી કરતી હોય છે પરંતુ જેવો મામલો દબાઈ જાય ત્યારબાદ આ એજન્સીઓ કોઈપણ જાતની તકેદારી રાખતી નથી અને ફરીથી ગાઢ નિંદ્રામાં પોઢી જતી હોય છે.

ફટાકડાની દુકાનો ચલાવવી, ગોડાઉનમાં ફટાકડાનો સંગ્રહ કરવો અને જ્વલનશીલ પદાર્થો રાખવા વગેરે કામગીરી માટે ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવાની હોય છે પરંતુ ભ્રષ્ટાચારના આ યુગમાં મંજૂરી લેવી અશક્ય નથી. નીતિ નિયમોને નેવે મૂકીને બેફામ રીતે મંજૂરી આપવામાં આવતી હોય છે ત્યારબાદ અધિકારીઓના પગ તળે રેલો આવતા તેઓ છટકબારી શોધે છે અથવા તો દોષનો ટોપલો બીજાના માથે ઢોળી દેતા હોય છે.કલોલ શહેરમાં પણ આ રીતની જ કામગીરી ચાલે છે.  તંત્ર ડકાર તપાસના નામે નાટક ભજવીને તેનો સાફ સુથરો રિપોર્ટ ઉપર મોકલી દેવામાં આવે છે પણ ગ્રાઉન્ડ પરની સ્થિતિ તો સાવ અલગ જ હોય છે.

કલોલ સમાચાર