કલોલમાંથી ચાઈનીઝ દોરીના 8 બોક્સ ઝડપાયા
સરકારે ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં છડેચોક ચાઈનીઝ દોરી વેચાઈ રહી છે. કલોલમાંથી પોલીસે 2400 રૂપિયાના ચાઈનીઝ દોરીના કુલ આઠ બોક્સ જપ્ત કરીને ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત કલોલ તાલુકા પોલીસે પણ ચાઈનીઝ દોરીના 15 રીલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઈસમ ઘાંચીવાડ મસ્જિદ પાસે ખુલ્લી જગ્યામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરવા ગયા હતા. ત્યાં એક ઈસમ ખુલ્લી જગ્યામાં પોતાની પાસે મીણીયાનો થેલો રાખી શંકાસ્પદ હાલતમાં ઉભો રહ્યો હતો. જેથી પોલીસે તેને કોર્ડન કરી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ અસ્પાક દાઉદભાઈ શેખ જણાવ્યું હતું. પોલીસે થેલાની તપાસ કરતા અંદરથી ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. ચાઈનીઝ દોરીના રીલ ભરેલ થેલામાંથી બહાર કાઢી જોતા કુલ 2400 રૂપિયાના ચાઈનીઝ દોરીના આઠ બોક્સ મળી આવતા પોલીસે અસ્પાક શેખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત કલોલ તાલુકા પોલીસે પણ ચાઈનીઝ દોરીના 15 રીલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો. તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નારદીપુર ગામથી સરઢવ તરફ જતા રોડ ઉપર એક ઈસમ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચે છે. જેને પગલે પોલીસે રેડ પાડીને ચાઈનીઝ દોર ના 15 રીલ સાથે 7500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઈસમ વીર કિરીટકુમાર મિસ્ત્રી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.