દારૂના કટિંગ દરમિયાન પોલીસ ત્રાટકતા બુટલેગરોમાં દોડધામ
કલોલ પંથકમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. પોલીસની નજરો હેઠળ ચાલી રહેલ દારૂના વેપલાને સંપૂર્ણ બંધ કરી શકાયો નથી. કલોલમાં આવો જ એક બનાવ બન્યો છે.વાયણામાં વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યાં જ પોલીસ ત્રાટકતા બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે 9.25 લાખનો દારૂ જપ્ત કર્યો છે તેમજ ભાગી છૂટેલ બુટલેગરો પકડવા કવાયત હાથ ધરી છે.
આ ઘટનાની મળતી વિગત અનુસાર કલોલ તાલુકાની સાંતેજ પોલીસ સ્ટાફના જવાનો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેઓને બાતમી મળી હતી જેને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી અનુસાર એક આઇશર ટ્રકમાં બિયર અને વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે તેમજ ત્યાં તેનું કટિંગ પણ થઇ રહ્યું છે. જેને આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો.
પોલીસે અહીં આવીને જોતા એક કારમાં દારૂનો જથ્થો ભરવામાં આવી રહ્યો હતો. જોકે પોલીસને જોતા જ બુટલેગરોને પરસેવો છૂટી ગયો હતો અને તેઓ ફફડાટમાં ભાગી ચુક્યા હતા. પોલીસે આઇશર અને કારમાંથી બિયર અને વિદેશી દારૂનો કુલ 9.25 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત દારૂ ભરેલ ટ્રક અને કાર પણ જપ્ત કરી હતી. આમ સાંતેજ પોલીસે કુલ 15.25 લાખની માલમત્તા જપ્ત કરી હતી. આ દરોડાને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ દારૂડિયાઓ વિરુદ્ધ કડક હાથે કામ લે તેવી લોકોની માંગ છે.
1 thought on “કલોલના વાયણામાં દારૂના કટિંગ દરમિયાન પોલીસ ત્રાટકતા બુટલેગરોમાં દોડધામ ”