કલોલ પૂર્વમાં બીવીએમ ફાટકથી બળિયા ફાટક સુધી દબાણ જ દબાણ

કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં બળીયા ફાટક અને બીવીએમ ફાટકને જોડતો મુખ્ય રોડ આવેલો છે તેની બંને તરફ દબાણ જોવા મળી રહ્યું છે. આ રોડ બંને તરફની ફૂટપાથ પર લોકોએ લારી ગલ્લા મૂકી દીધા છે તો અમુક લોકોએ પાકી દુકાન પણ ચણી દીધી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કલોલના રેલવે પૂર્વ વિસ્તારની જોડતા આ મહત્વના માર્ગ પર દબાણ થઈ જતા રસ્તો સાંકડો થઇ ગયો છે.
આ માર્ગની બંને બાજુથી દબાણ દૂર કરવામાં આવે તે ઇચ્છનીય બન્યું છે. રેલવે પૂર્વ વિસ્તારના એક છેડેથી બીજા છેડે જવા માટેનો એકમાત્ર મુખ્ય માર્ગ છે અને અહીંથી ગંદકી તેમજ દબાણ દૂર કરી તેને આઇકોનિક રોડ બનાવવામાં આવે તેવી લોકમાંગણી ઊભી થઈ છે.
પાલિકાએ નિયત જગ્યા ફાળવી છતાં માર્ગો પર લારીઓ યથાવત
કલોલ નગરપાલિકાએ પણ શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કલોલના મટવા કુવા વિસ્તાર તેમજ સ્ટેશન રોડ, નવજીવન રોડ અને ટાવર પાસે રહેલ દબાણ હટાવીને લારીઓ દૂર કરવામાં આવી હતી. આ બાદ પાલિકા તંત્ર દ્વારા 146 જેટલા ફેરિયાઓને જૂની નગરપાલિકા ખાતે નિયત જગ્યા ફાળવવામાં આવી છે. તેમ છતાં બજારમાં ઘણી જગ્યાએ ફરીથી લારીઓએ અડિંગો જમાવી દીધો હોવાનું સામે આવ્યું છે.
