સિંદબાદથી માણસા બ્રિજ સુધીના નવા બનાવેલા માર્ગ પર ફક્ત એક માસમા ગાબડા પડ્યા
કલોલના સિંદબાદ હાઇવેથી માણસા બ્રિજ તરફ જતો માર્ગ ફક્ત એક માસની અંદર જ તૂટી જતા તંત્રની કામગીરી પર સવાલ ઊભા થયા છે.
પાનસર ત્રણ રસ્તા પાસે માર્ગ ઉબડખાબડ થઈ ગયો છે તેમજ એક મસમોટો ખાડો પણ પડી ગયો છે. જાન્યુઆરી માસમાં તંત્ર દ્વારા ઉતાવળમાં રાતોરાત સિંદબાદ હાઇવેથી માણસા બ્રિજ સુધીનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે કોઈપણ જાતની પૂરતી તૈયારી વગર જ હયાત માર્ગ ઉપર જ ફક્ત ડામર પાથરીને ચીલા ચાલુ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો.

તે સમયે જ ગણગણાટ થયો હતો કે આ માર્ગ બહુ લાંબુ કાઢશે નહીં અને તે સાચું પડ્યું છે. પાનસર ત્રણ રસ્તા પાસે માત્ર એક મહિનાની અંદર જ માર્ગ પર ગાબડા પડી ગયા છે, રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે જેને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સિંદબાદ બ્રિજ થી માણસા ઓવર બ્રિજ સુધીનો રસ્તો વર્ષોથી તૂટેલી હાલતમાં હતો તેનું સમારકામ હાથ ધરવામાં આવતું નહોતું પરંતુ એક મહિના અગાઉ કામગીરી ચાલુ થઈ ત્યારે લોકોને લાગ્યું હતું કે હાશ હવે સમસ્યાનો કોઈ ઉકેલ આવશે પરંતુ તંત્રની કામચલાઉ રસ્તા બનાવવાની નીતિને કારણે હવે માર્ગ ફરીથી તૂટી જતા લોકોમાં પણ આક્રોશ છે.
