આયોજન નગર સોસાયટીમાં પાણી આવતું ન હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ નગરપાલિકા માં ઉગ્ર રજૂઆત કરી……
કલોલ ના રેલ્વે પૂર્વે વિસ્તારમાં આવેલી આયોજન નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. જેની અવારનવાર કોર્પોરેટરો ને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ થયું નથી. જેથી ત્રસ્ત થઈ ચૂકેલા આયોજન નગર સોસાયટીના રહીશોએ આજરોજ નગરપાલિકા ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો.
રેલવે પૂર્વ વિસ્તાર સ્થિત આયોજન નગર સોસાયટી જે વોર્ડ નંબર ૧૧ માં આવેલી છે. જેમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ના આવતું હોવાને લીધે સ્થાનિકોએ અન્ય સોસાયટીઓમાં જઈને પાણી ભરવું પડી રહ્યું છે. આ મુદ્દે રહીશો દ્વારા વારંવાર કોર્પોરેટરો નું ધ્યાન દોરવાનું આવ્યું હતું. પરંતુ તેમના દ્વારા પણ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવતા સોસાયટી ના રહીશો નું ટોળું કલોલ નગરપાલિકાએ પહોંચી હલ્લાબોલ કરતું જોવા મળ્યું હતું.
દુઃખની વાત એ છે કે નગરપાલિકા ખાતે પહોંચેલા રહીશો એ પોતાની સમસ્યા ચીફ ઓફિસર ને જણાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચીફ ઓફિસર નીતિન બોડાત સ્થાનિકો ની સમસ્યા ને સાંભળવાને બદલે આખ આડા કાન કરીને કોઈપણ જવાબ આપ્યા વિના જતા રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે વલખા મારી રહેલા આ સોસાયટીના રહીશો આ વખતે આકરા પાણી એ ઉગ્ર રજૂઆત કરતા નજરે ચડ્યા હતા.
સોસાયટીના રહીશો એ જ્યાં સુધી તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા નું નિરાકરણ લાવવામાં નહિ આવે, ત્યાં સુધી નગરપાલિકા ની બહાર જ બેસી રહેવાની હઠ પકડી હતી.જોકે છેલ્લે નગરપાલિકાના ઉપપ્રમુખ મુકુંદ પરીખે સ્થાનિકો ના વિસ્તાર માં પાણી આવતું ન હોવાની જે સમસ્યા છે, તેનું ટૂંક જ સમયમાં નિરાકરણ લાવવામાં આવશે તેવી ચોક્કસ હૈયા ધારણા આપીને મામલાને થાળે પાડ્યો હતો.