કલોલના સર્વોદય નગરમાં પાણીની સમસ્યા વિકટ, રહેવાસીઓ હેરાન
કલોલ પૂર્વમાં આવેલી સર્વોદય નગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાએ રહેવાસીઓનું જનજીવન પરેશાન કર્યું છે. સોસાયટીમાં ધીમા પ્રેશરથી પાણી આવવાની ફરિયાદો સતત વધી રહી છે, જેના કારણે રહેવાસીઓને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, ઓછા પ્રેશરને કારણે પાણીની ટાંકીઓ ભરવામાં અને ઘરેલુ કામકાજમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આ સમસ્યાને લઈને સર્વોદય નગરના રહેવાસીઓએ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. આ ઉપરાંત, સોસાયટીની આગળ થયેલા દબાણને દૂર કરવાની માંગ પણ કરવામાં આવી છે.
સોસાયટીના એક રહેવાસીએ જણાવ્યું, “અમે નગરપાલિકાને અનેક વખત આ સમસ્યા અંગે જણાવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ઓછા પ્રેશરથી પાણી આવવાથી ખાસ કરીને સવારના સમયે ઘણી મુશ્કેલી થાય છે.”
કલોલ નગરપાલિકાના સત્તાધીશોને રહેવાસીઓએ અપીલ કરી છે કે, આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને દબાણ દૂર કરી પાણીનું પ્રેશર સુધારવા માટે જરૂરી પગલાં લેવાય. હવે નગરપાલિકા આ મુદ્દે શું પગલાં લે છે, તે જોવું રહ્યું.