કલોલના ભગવતી શોપિંગની દુકાનોના ફરી તાળા તૂટતા રોષ

કલોલ હાઇવે પર આવેલા ભગવતી કોમ્પલેક્ષમાં ફરી દુકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવી છે. ચોરો દ્વારા અવારનવાર અહીં તાળા તોડવાની ઘટનાને પગલે દુકાનદારોમાં ફફડાટ પેસ્યો છે. આ મામલે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ જાતના પગલાં ભરવામાં આવતા નથી જેને કારણે વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
ગુરુવારની રાત્રે ભગવતી કોમ્પલેક્ષમાં આવેલ બે દુકાનોના લોક તોડવામાં આવ્યા હતા. આ શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેને પગલે પોલીસ દ્વારા તપાસ કરી અને ઝડપી લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી થઈ છે. આ કોમ્પ્લેક્સમાં આવેલ એક દુકાનમાંથી દસ હજાર રૂપિયા ચોરાયા હતા. ભગવતી શોપિંગ સેન્ટરમાં વારંવાર બનતી ઘટનાઓથી વેપારીઓમાં ફફડાટ પેસી ગયો છે. બીજી તરફ પોલીસના પેટ્રોલિંગના દાવાઓ આવી ઘટનાઓથી ખોટા સાબિત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.