નગરપાલિકાની દબાણ હટાવો કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરેલ વેપારીઓમાં ફફડાટ……
કલોલમાં આજે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.આ દબાણ હટાવો ઝુંબેશમાં કેબીનો સહિત રસ્તામાં નડતરરૂપ તમામ સામાન હટાવી દેવામાં આવ્યો હતો. કલોલમાં સતત પાંચ દિવસ સુધી દબાણ હટાવો ઝુંબેશ ચાલશે.
કલોલમાં ઠેર ઠેર દબાણોનો રાફડો ફાટ્યો હતો. જેને કારણે કલોલમાં ટ્રાફિક ઝામની સમસ્યાઓમાં ઉતરોતર વધારો જોવા મળ્યો હતો. આ દબાણને કારણે રોડ રસ્તા સાંકડા થઈ ગયા છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આજરોજ સવારથી નગરપાલિકા એક્શન માં આવી ગઇ હોય તેમ દબાણ હટાવો ઝુંબેશને વેગ આપવામાં આવ્યો હતો.
જેમાં નગરપાલિકા દ્વારા કલોલમાં મટવા કુવા તેમજ ખૂની બંગલા અને કવિતા સર્કલ પાસે જગ્યા ખાલી કરાવી ગેરકાયદેસર દબાણો પર જેસીબી ફેરવવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં પાલિકા દ્વારા બે ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી હતી. જેમાં બે જેસીબી અને છ ટ્રેકટરો દબાણ હટાવવા માટે લાગ્યા હતા. નગરપાલિકાની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરીને બેસેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તેમજ ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલા ૧૨ કેબિનો પણ નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા.