મુકેશ અંબાણીને ખરીદવી છે કલોલની સિન્ટેક્સ
ભારતના નંબર વન અબજોપતિ મુકેશ અંબાણીને હવે કલોલમાં રસ પડ્યો છે. કલોલમાં આવેલ પ્રખ્યાત સિન્ટેક્સ કંપનીને ખરીદવા તેઓ મેદાને આવ્યા છે. રિલાયન્સ ઉપરાંત અન્ય કંપનીઓ પણ સિન્ટેક્સને ખરીદવા મેદાને છે. કલોલ સમાચાર ઓનલાઇન લાવ્યું છે તમારા માટે ઇનસાઇડ સ્ટોરી, કેટલામાં સોદો થશે ? કોને કેટલો હિસ્સો મળશે વાંચો અંદર….
સિન્ટેક્સ છેલ્લા ચાર દાયકાથી કાર્યરત એક મોટી કંપની છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન સિન્ટેક્સનું કુલ વેચાણ રૂ.39,113 કરોડ રહ્યું છે અને ચોક્ખો નફો રૂ.3,229 કરોડ રહ્યો છે. આ દસ વર્ષ દરમિયાન કંપનીએ વિવિધ પ્રકારની લોન માટે લગભગ રૂ.1,538 કરોડનું વ્યાજ પણ ચુકવ્યું છે.
કલોલમાં આવેલ સિન્ટેક્સ કંપની તેની પાણીની ટાંકી માટે વિશ્વવિખ્યાત છે. આ કંપની હવે નાદાર જાહેર થતા તેને ખરીદવા માટે Reliance સહીત વિવિધ કંપનીઓ મેદાનમાં આવી ગઈ છે.
ન્યૂયોર્કની ફાઈવ સ્ટાર મેન્ડરિન ઓરિએન્ટલ હોટેલ ખરીદ્યા બાદ મુકેશ અંબાણી હવે નાદારી થઈ ગયેલી ટેક્સટાઈલ કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન ગ્રૂપ બેન્કરપ્ટ સિન્ટેક્સ કંપનીને ખરીદવાની રેસમાં આગળ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એસેટ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇઝિસ (એસીઆરઇ) સાથે ભાગીદારીમાં આ બિઝનેસ ખરીદવાની યોજના બનાવી રહી છે. બંનેએ મળીને રિઝોલ્યુશન પ્લાન હેઠળ રૂ. 2863 કરોડની ઓફર કરી છે. આમાં ધિરાણકર્તાઓ પાસે 10 ટકા હિસ્સો પણ સામેલ હશે.
ટેક્સટાઇલ કંપની સિન્ટેક્સ માટે રિઝોલ્યુશન પ્લાન હેઠળ ધિરાણકર્તાઓને 4 બિડ મળી છે. જેમાં રિલાયન્સ-એસીઆરઇ ગ્રૂપ અને વેલસ્પન ગ્રૂપની કંપની ઇઝીગો ટેક્સટાઇલ દ્વારા સૌથી વધુ બોલી લગાવવામાં આવી છે. બંને દ્વારા કરવામાં આવેલી બિડ વચ્ચે બહુ ઓછો તફાવત છે. જો કે, બંને બિડ સાથે એક શરત જોડાયેલ છે. આવી સ્થિતિમાં બેંક માટે કયો પ્લાન વધુ યોગ્ય છે, તેની રાહ જોવી પડશે.
રિઝોલ્યુશન પ્રોફેશનલ પિનાકિન શાહે બંને બિડ જમાકર્તાઓને ફરી એકવાર શરત વિના બિડ સબમિટ કરવા જણાવ્યું છે. રિઝોલ્યુશન પ્લાન હેઠળ 27 નાણાકીય લેણદારોના 7534 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રિલાયન્સનો રિઝોલ્યુશન પ્લાન રૂ. 2863 કરોડનો છે. જેમાં નાણાકીય લેણદારોને 2280 કરોડ રૂપિયા આપવામાં આવશે.
500 કરોડનું કેપિટલ ઇન્ફ્યુઝન કરવામાં આવશે અને કર્મચારીઓ અને ટ્રેડ લેણદારોને 83 કરોડ રૂપિયા આપવામાં આવશે. અધિગ્રહણ પૂર્ણ થયા પછી, રિલાયન્સ પાસે 79 ટકા હિસ્સો રહેશે. ACRE 11 ટકા અને ધિરાણકર્તા 10 ટકા હિસ્સો ધરાવશે. હાલમાં, વેલસ્પનના રિઝોલ્યુશન પ્લાન વિશે કોઈ માહિતી નથી.