કલોલમાં ભાજપનું ‘ક્લીન સ્વીપ’ ઓપરેશન: 28 પૂર્વ નગરસેવકોની ટિકિટ કપાઈ, નવા ચહેરાઓ આવતા કહી ખુશી, કહી ગમ
Report By Prashant Leuva
કલોલ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, આ યાદી જાહેર થતાની સાથે જ સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે, કારણ કે ભાજપ હાઈકમાન્ડે આ વખતે આક્રમક રીતે ‘નો-રિપીટ’ થિયરીનો અમલ કરી અનેક ‘જૂના જોગીઓ’ ના પત્તા કાપી નાખ્યા છે.
આ પસંદગીમાં પક્ષે સંગઠનને મજબૂત કરવા અને એન્ટી-ઈન્કમ્બન્સી રોકવા માટે નવા અને યુવા ચહેરાઓ પર વધુ ભરોસો મૂક્યો હોય તેમ જણાય છે. આ પસંદગીમાં જ્ઞાતિગત સમીકરણોની સાથે સાથે ઉમેદવારની પક્ષ પ્રત્યેની વફાદારીને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ગત ટર્મમાં ભાજપના શાસન દરમિયાન ચૂંટાયેલા 34 નગરસેવકોમાંથી પક્ષે આ વખતે માત્ર 6 કાઉન્સિલરોને જ ફરી તક આપી છે. જ્યારે બાકીના 28 પૂર્વ નગરસેવકોની ટિકિટ કાપી નાખવામાં આવતા નગરપાલિકાના વર્તુળોમાં સોપો પડી ગયો છે. વર્ષોથી સત્તામાં રહેલા પીઢ નેતાઓની બાદબાકી થતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટિકિટ કપાતા કેટલાક જૂના જૂથોમાં અસંતોષ અને નારાજગીની ભીતિ સેવાઈ રહી છે, જે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું. હાલ તો નવા ઉમેદવારોના નામો જાહેર થતા જ કલોલનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.
