કલોલના શેરીસા ગામમાં બીયરના ટીનમાં ફસાયેલા ભારતીય નાગનું સફળ રેસ્ક્યૂ

કલોલના શેરીસા ગામમાં બીયરના ટીનમાં ફસાયેલા ભારતીય નાગનું સફળ રેસ્ક્યૂ

Share On

Story By Prashant Leuva (Master of Mass Communication and Journalism)

કલોલના શેરીસા ગામમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક ભારતીય નાગ (કોબ્રા) બીયરના ટીનમાં ફસાઈ ગયો હતો. ગામના રહીશોએ આ ઘટનાની જાણ સદ્ભાવના ફાઉન્ડેશન, કલોલના હિતેશ પંચાલને કરી. તેમને જણાવવામાં આવ્યું કે ગામના એક ખેતરની બાજુમાં આવેલા લોખંડના ડબ્બામાં સાપ ફસાયો છે.જોકે સૌથી મોટો સવાલ એ છે કે કલોલ તાલુકાના એક ગામમાં બિયરની બોટલમાં સાપ ફસાય છે તો આ દારૂ અને બિયર આવે છે ક્યાંથી ?


હિતેશ પંચાલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરતાં જાણવા મળ્યું કે બીયરના ટીનમાં ભારતીય નાગ ફસાયેલો છે. હિતેશભાઈ અને કાજલ પંચાલે ઘણી જહેમત બાદ સાવધાનીપૂર્વક નાગને કોઈ ઈજા પહોંચાડ્યા વિના સફળતાપૂર્વક બહાર કાઢ્યો. ત્યારબાદ તેને નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો.

વરસાદની ઋતુમાં ઝેરી અને બિનઝેરી સરીસૃપો ઘણીવાર રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે, કારણ કે તેમના રહેઠાણોમાં પાણી ભરાઈ જાય છે અને તેઓ ખોરાકની શોધમાં નીકળે છે. નિષ્ણાતોની સલાહ છે કે આવા સરીસૃપોને મારવાને બદલે, નજીકના વન વિભાગ અથવા વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓનો સંપર્ક કરવો જોઈએ. આ સંસ્થાઓ દ્વારા સાપનું રેસ્ક્યૂ કરીને તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં આવે છે.

કલોલ સમાચાર