કલોલમાં શ્રાવણ માસ વચ્ચે કપિલેશ્વર તળાવની દુર્દશા
Report By Prashant Leuva
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કલોલના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરે દરરોજ હજારો શિવભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે, પરંતુ મંદિર પરિસર પાસે કરોડો રૂપિયાના જંગી ખર્ચે ડેવલપ કરવામાં આવેલા કપિલેશ્વર તળાવની દયનીય સ્થિતિ જોઈને ભક્તોની ધાર્મિક લાગણી ભારે દુભાઈ રહી છે.
આ તળાવમાં ચારે તરફ ગંદકી અને લીલના થર જામી ગયા છે, તેમજ તળાવમાં સતત ગટરનું ગંદુ પાણી ઠલવાઈ રહ્યું હોવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.
કરોડોના આંધણ બાદ પણ યોગ્ય જાળવણીના અભાવે તળાવ મચ્છરો અને ગંદકીનું ઉત્પત્તિ કેન્દ્ર બની ગયું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.
શ્રાવણ જેવા પવિત્ર તહેવારમાં પણ શિવભક્તોને ગંદકી અને દુર્ગંધ વચ્ચેથી પસાર થવું પડી રહ્યું હોવાથી પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે; ત્યારે જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક ધોરણે તળાવની સઘન સફાઈ કરાવે અને ગટરના પાણી રોકવા માટે નક્કર પગલાં ભરે તેવી શિવભક્તો અને સ્થાનિક નાગરિકોમાં પ્રબળ માંગ ઊઠી છે.
