જાસપુર ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો બાદ એક બાળકનું મૃત્યુ
Report By Prashant Leuva
કલોલ તાલુકાના જાસપુર ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો બાદ એક માસૂમ બાળકનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ફફડાટ વ્યાપી ગયો છે. બાળકના મોતની ઘટના સામે આવતા જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કલોલ તાલુકા આરોગ્ય વિભાગ અને ગાંધીનગર જિલ્લા આરોગ્યની વિશેષ ટીમો દ્વારા જાસપુર ગામમાં ધામા નાખવામાં આવ્યા છે. વાયરસ ફેલાવનારી મુખ્ય વાહક ગણાતી સેન્ડફ્લાય નો ઉપદ્રવ જાણવા માટે ગામમાંથી સેન્ડફ્લાયના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ માખીઓ મુખ્યત્વે પશુઓના કોઢ અને કાચા મકાનોની આસપાસ વધુ જોવા મળતી હોવાથી, તંત્ર દ્વારા ગામમાંથી પશુઓના પણ સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
ગામમાં વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જાસપુર અને આસપાસના સીમ વિસ્તારોમાં સઘન મેલડસ્ટિંગ અને ઘેર-ઘેર હેલ્થ સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : મહેસાણાની ખારી નદીમાં કેમિકલ ઠાલવતા કલોલની છત્રાલ એન્વાયરમેન્ટ કંપનીના 2 ટેન્કરો જપ્ત
