કલોલ સિટી સર્વે & ILR કચેરીમાં જૂની અરજીઓ પેન્ડિંગ છે” કહી અરજદારોને ધરમધક્કા

કલોલ સિટી સર્વે & ILR કચેરીમાં જૂની અરજીઓ પેન્ડિંગ છે” કહી અરજદારોને ધરમધક્કા

Share On

કલોલ સિટી સર્વે & ILR કચેરીમાં જૂની અરજીઓ પેન્ડિંગ છે” કહી અરજદારોને ધરમધક્કા

Report By Prashant Leuva

કલોલ શહેરમાં જીવાભાઈ માર્કેટના ચોથા માળે એક જ જગ્યાએ કાર્યરત સિટી સર્વે અને ILR કચેરી હાલ અરજદારો માટે ભારે હાલાકીનું કેન્દ્ર બની ગઈ છે. બંને કચેરીઓમાં સરકારી કામકાજ રામભરોસે ચાલતું હોવાથી રોજેરોજ પોતાના કામ માટે આવતા નાગરિકોને માત્ર ધરમધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.

સિટી સર્વે કચેરીની વાત કરીએ તો અહીં મિલકતની નોંધણી અને ફેરફારને લગતી ઢગલો અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ પડી રહી છે. પોતાના હકના દસ્તાવેજી કામ માટે આવતા અરજદારો જ્યારે પણ પૂછપરછ કરે છે, ત્યારે “આગળની ઘણી જૂની અરજીઓ પેન્ડિંગ છે” તેવો ઉડાઉ જવાબ આપી તેમને સીધા પાછા મોકલી દેવાય છે. કામ પૂરું થવા અંગે કોઈ સ્પષ્ટ સમય ન અપાતા અરજદારો અઠવાડિયાઓ સુધી ચક્કર કાપીને થાકી ગયા છે.

બીજી તરફ, કલોલના નાગરિકોને ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે તે હેતુથી ILR કચેરી કલોલમાં જ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે જમીન માપણી, વિભાજન અને એકત્રીકરણ જેવા સંવેદનશીલ પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તેવો સરકારનો આશય હતો, પરંતુ વ્યવસ્થા ગોઠવાયા છતાં અહીં નક્કર પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. ખેડૂતોના જમીન વિભાજન કે માપણીના કામોનો સમયસર નિકાલ ન થતાં કચેરીમાં ફાઈલો માત્ર ધૂળ ખાઈ રહી છે.

આ બંને કચેરીઓમાં આવતા અરજદારો માટે સામાન્ય સુવિધાઓ અને પારદર્શિતાનો પણ મોટો અભાવ છે. માર્કેટના નીચેના ભાગે કોઈ યોગ્ય સાઈનબોર્ડ ન હોવાથી ચોથા માળે આવેલી આ કચેરી શોધવામાં જ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને વૃદ્ધોના દમ નીકળી જાય છે, જ્યારે ચોથા માળે માત્ર બે નાના બોર્ડ લગાવીને તંત્રએ સંતોષ માની લીધો છે.

એટલું જ નહીં, બંને કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે અધિકારીઓની ટેબલ પર તેમના નામ કે હોદ્દા દર્શાવતી કોઈ નેમપ્લેટ પણ નથી. કયા કર્મચારી પાસે કયા ગામનું કામ છે તેનું કોઈ જ માહિતી બોર્ડ ન હોવાને કારણે કચેરીમાં આવતો અરજદાર કયા ટેબલે જવું તે સમજી શકતો નથી અને કલાકો સુધી આમથી તેમ ભટકવા મજબૂર બને છે. ત્યારે બંને કચેરીઓમાં તાત્કાલિક પારદર્શક વ્યવસ્થા ગોઠવાય અને પેન્ડિંગ કામોનો ઝડપથી નિકાલ થાય તેવી કલોલવાસીઓની પ્રબળ માંગ છે.

 

કલોલમાં શ્રાવણ માસ વચ્ચે કપિલેશ્વર તળાવની દુર્દશા: કરોડોના ખર્ચે ડેવલપ તળાવમાં ગટરના પાણી અને લીલ જામતાં રોષ

 

કલોલ સમાચાર