કલોલ લેબર કોર્ટે કામદારના મોત મામલે અરવિંદ લિમિટેડના નિગમ શાહને ₹5 લાખનો દંડ ફટકાર્યો

કલોલ લેબર કોર્ટે કામદારના મોત મામલે અરવિંદ લિમિટેડના નિગમ શાહને ₹5 લાખનો દંડ ફટકાર્યો

Share On

કલોલ લેબર કોર્ટનો મોટો ચુકાદો: કામદારના મોત મામલે અરવિંદ લિમિટેડના નિગમ શાહને ₹5 લાખનો દંડ

Report By Prashant Leuva

કલોલ: કલોલ સ્થિત જાણીતી કંપની અરવિંદ લિમિટેડમાં (Arvind Limited) ફરજ દરમિયાન કામદારની સુરક્ષામાં ગંભીર બેદરકારી દાખવવાના મામલે કલોલ લેબર કોર્ટે કડક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કંપનીના કબજેદાર (Occupier) નિગમ શાહને દોષિત ઠેરવી ₹5 લાખનો દંડ ફટકાર્યો છે, તેમજ દંડની અડધી રકમ મૃતક કામદારના પરિવારને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ગાંધીનગરના કારખાના નિરીક્ષક (Factory Inspector) દ્વારા કલોલ લેબર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત 5 એપ્રિલ, 2026ના રોજ કલોલની અરવિંદ લિમિટેડ કંપનીમાં કામદાર કનુભાઈ પ્રજાપતિ ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કંપની દ્વારા તેમને સેફ્ટી બેલ્ટ કે અન્ય જરૂરી સલામતીના સાધનો પૂરા પાડ્યા વિના જ જોખમી કામ કરાવવામાં આવી રહ્યું હતું. સુરક્ષા સાધનોના અભાવે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કામદાર કનુભાઈ પ્રજાપતિનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

Video : અરવિંદ લિમિટેડના નિગમ શાહને 5 લાખનો દંડ

કાયદાના ભંગ બદલ ક્રિમિનલ કેસ દાખલ કરાયો હતો

આ દુર્ઘટના બાદ કારખાના નિરીક્ષકની તપાસમાં કંપની મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી હતી. ફેક્ટરી એક્ટ (Factories Act) અને ઓક્યુપેશનલ સેફ્ટી કોડની જોગવાઈઓના સ્પષ્ટ ભંગ બદલ કંપનીના કબજેદાર નિગમ શાહ વિરુદ્ધ કલોલ લેબર કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો અને વળતરનો આદેશ

આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ નિગમ શાહે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. કલોલ લેબર કોર્ટના ન્યાયાધીશ એમ. એસ. સોલંકીએ કામદારોની સુરક્ષા પ્રત્યેની બેદરકારીને ગંભીર ગણી નિગમ શાહને ₹5 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે જો દંડની રકમ ભરવામાં નહીં આવે, તો 15 દિવસની સાદી કેદની સજા ભોગવવી પડશે.

આ ઉપરાંત, મૃતક કામદારના પરિવારને આર્થિક સહાય મળી રહે તે હેતુથી ન્યાયાધીશે દંડની કુલ રકમમાંથી 50 ટકા એટલે કે ₹2.50 લાખ (અઢી લાખ રૂપિયા) મૃતક કનુભાઈ પ્રજાપતિના પરિવારજનોને વળતર પેટે ચૂકવી આપવાનો માનવીય અને મહત્વપૂર્ણ આદેશ પણ કર્યો છે. લેબર કોર્ટના આ કડક ચુકાદાથી ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા (Industrial Safety) પ્રત્યે બેદરકારી દાખવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કલોલ સમાચાર