કલોલ તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
કલોલ હાઇવે પર પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. મહેસાણાથી અમદાવાદ તરફ વિદેશી દારૂનો મોટો જથ્થો લઇને જવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસની ટીમ દ્વારા મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ સઇજ ગુરુકુલ કટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમી મુજબની સફેદ રંગની ક્રેટા ગાડી આવતાં જ તેને રોકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો. જોકે, ગાડીના ચાલકે કાર રોકવાને બદલે યુ-ટર્ન મારીને આંબેડકર બ્રિજ નીચે થઈ અડાલજ-અમદાવાદ રોડ તરફ ગાડી ભગાડી મૂકી હતી. પોલીસે તાત્કાલિક તેનો ફિલ્મી ઢબે પીછો કરવાનું શરૂ કર્યું હતું.
પોલીસને પીછો કરતી જોઈ ગાડીનો ચાલક સંસ્કૃતિ સિનેમા નજીકના એક ખાચામાં અંધારાનો લાભ લઈને કાર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના બિયરના ૧૦૦૮ નંગ ટીન (કિંમત રૂ. 2.56 લાખ) મળી આવ્યા હતા. પોલીસે રૂ. 7 લાખની કિંમતની ક્રેટા ગાડી અને બિયરનો જથ્થો મળીને કુલ રૂ. 9.56 લાખ નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ફરાર કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો : છત્રાલમાં પ્રાણીની બખોલમાં અડધી ફસાયેલી લાશ મળી, વાંચો શું છે સમગ્ર મામલો
