કલોલના ઓટો હાઉસ ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ મામલે માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ, નિયમોના ધજાગરા ઉડાવ્યા હોવાનું ખુલ્યું

કલોલના ઓટો હાઉસ ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ મામલે માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ, નિયમોના ધજાગરા ઉડાવ્યા હોવાનું ખુલ્યું

Share On

ગેરકાયદે ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે ચીફ ઓફિસરની ફરિયાદ

Story By Prashant Leuva 

 

કલોલ શહેરમાં આવેલા અંબિકા બસ સ્ટેન્ડ પાસેના ‘ઓટો હાઉસ ઈન્ડિયા પ્રા.લી.’ નામના લુબ્રિકન્ટ ઓઈલના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના મામલે આખરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નિતિન બોડાત દ્વારા આ મામલે ગોડાઉન માલિક અમરતભાઈ કેશવલાલ પટેલ વિરુદ્ધ કલોલ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની વિગતો મુજબ, ગત ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ મોડી રાત્રે અંદાજે ૧:૪૦ વાગ્યાની આસપાસ આ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. લુબ્રિકન્ટ ઓઈલ અને ગ્રીસનો વિપુલ જથ્થો હોવાને કારણે આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે આસપાસની રહેણાંક સોસાયટીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થિતિ એટલી ગંભીર હતી કે સાવચેતીના ભાગરૂપે નજીકમાં આવેલી રાજેશ હોસ્પિટલને પણ ખાલી કરાવવી પડી હતી. અંતે નગરપાલિકાની ટીમ દ્વારા ગોડાઉનની દીવાલો તોડીને માંડ-માંડ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગોડાઉન માલિકે વહીવટી તંત્રના તમામ નિયમોને નેવે મૂક્યા હતા.  દુકાન માલિકે કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે વપરાશ પ્રમાણપત્ર મેળવ્યા વિના જ આ બિન-અધિકૃત બાંધકામ કર્યું હતું. એટલું જ નહીં, આટલા મોટા જ્વલનશીલ જથ્થા વચ્ચે પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાની દરકાર કરવામાં આવી નહોતી. ચોંકાવનારી બાબત એ છે કે, ઔડા દ્વારા ગત વર્ષે એપ્રિલ ૨૦૨૫માં નોટિસ આપીને આ ગોડાઉનનો વપરાશ બંધ કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં, માલિકે નોટિસની અવજ્ઞા કરી જોખમી રીતે ઓઈલનો સંગ્રહ ચાલુ રાખ્યો હતો.

હાલમાં પોલીસ દ્વારા અમરતભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૭, ૨૯૨(૩), ૧૨૫ તેમજ ગુજરાત ફાયર પ્રિવેન્શન અને પેટ્રોલિયમ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

કલોલ સમાચાર