એ રાત્રે શું થયું હતું સહયોગ ઓર્ગેનિક્સમાં? ઝેરી ગેસ મામલે કલોલ સમાચારનો પર્દાફાશ (ભાગ-૧)
કલોલ ઔદ્યોગિક વસાહતમાં પર્યાવરણ અને માનવ જિંદગી સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા એકમો સામે ‘કલોલ સમાચાર’ દ્વારા શરૂ કરાયેલા વિશેષ ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારા ગેસ કાંડના સત્તાવાર સરકારી દસ્તાવેજો સામે આવ્યા છે. કલોલ GIDC ના પ્લોટ નંબર 2 માં ધમધમતી ‘સહયોગ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાં 19 જુલાઈ 2024 ના રોજ સાંજના સુમારે સર્જાયેલી ઘોર બેદરકારીએ સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. કંપનીના પ્લાન્ટમાંથી થયેલા અચાનક ઝેરી ગેસ અને સફેદ ધુમાડાના લીકેજ અંગે ડિઝાસ્ટર મામલતદાર દ્વારા તંત્રને તાત્કાલિક ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના ઉચ્ચ અધિકારીઓની ટીમે મોડી સાંજે સ્થળ પર ધસી જઈને તપાસ હાથ ધરતાં કંપનીની ગંભીર ક્ષતિઓ અને લાપરવાહીના એક પછી એક સજ્જડ પુરાવાઓ સામે આવ્યા હતા.
સ્થળ તપાસ દરમિયાન અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે કંપની પરિસરમાં સલ્ફોનેશન પ્લાન્ટ, સ્ટોરેજ એરિયા તેમજ GIDC ના જાહેર આંતરિક રોડ પર અત્યંત જોખમી પેરા નાઇટ્રો ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ (PNCBSA) નો મોટો જથ્થો બેફામ રીતે ઢોળાયેલો હતો. રિએક્શન વેસલમાંથી સતત સફેદ ધુમાડો અને તીવ્ર એસિડિક ગંધ હવામાં ફેલાઈ રહી હતી, જે પવનની દિશાના કારણે સીધી જ નજીકના રહેણાંક વિસ્તાર તરફ પહોંચી ગઈ હતી. આ ઝેરી ગેસ અને ધુમાડાના સંપર્કમાં આવતા જ GIDC નજીક રહેતી એક સ્થાનિક મહિલાને ગંભીર ગૂંગળામણ, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવી જવા જેવી અત્યંત નાજુક શારીરિક પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવી પડી હતી. આટલી મોટી હોનારત જેવી સ્થિતિ વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ બહાર આવી કે કંપનીની સિક્યોરિટી ઓફિસ પાસે સલામતી માટે લગાવેલું ઓનલાઈન ક્લોરિન ગેસ ડિટેક્ટર સિસ્ટમ પણ સદંતર બંધ અને ખરાબ હાલતમાં મળી આવ્યું હતું, જે સાબિત કરતું હતું કે કંપની કોઈ પણ જાતની સેફ્ટી વિના જનતાના જીવ જોખમમાં મૂકીને કામ કરી રહી હતી.
અધિકારીઓએ સ્થળ પર કરેલા નિરીક્ષણમાં પ્લાન્ટની અંદર અને બહાર અત્યંત એસિડિક પાણીના ખાબોચિયાં ભરાયેલા જોવા મળ્યા હતા અને જોખમી કચરાના સલામત સંગ્રહ માટે કોઈ સમર્પિત વ્યવસ્થા નહોતી. પરિસ્થિતિની ગંભીરતા એટલી વિકરાળ હતી કે ઢોળાયેલા જોખમી કેમિકલને તાત્કાલિક ફિલ્ટર કરી તેમાંથી નીકળેલા અંદાજે ૩૦.૪૯૦ મેટ્રિક ટન જેટલા જંગી સ્પેન્ટ એસિડના જથ્થાને ખાસ મેનિફેસ્ટ બનાવી નિકાલ અર્થે શ્રી સિમેન્ટ્સ (રાસ) ખાતે મોકલવો પડ્યો હતો. એક સામાન્ય કેમિકલ લીકેજ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જીવલેણ સાબિત થયેલી આ ઘોર બેદરકારી બદલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા એર એક્ટની કલમ ૩૧-A હેઠળ કડક આદેશ જારી કરીને સહયોગ ઓર્ગેનિક્સ સામે તાત્કાલિક કડક ક્લોઝર ઓર્ડર લાદી દેવાયો હતો અને કંપનીને ₹૧૦ લાખનો તોતિંગ પર્યાવરણીય દંડ ફટકારવામાં આવ્યો હતો.
