Report By Prashant Leuva
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જૂના ધાણજ ગામેથી પશુપાલકના વાડામાંથી અબોલ પશુઓ ગુમ થઈ જવાની ઘટના સામે આવતાં સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી છે. ગામના રબારી વાસમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ભવિષ્યભાઈ દિનેશભાઈ રબારીએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી વિગતવાર રજૂઆત કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, ગત 22 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે તેમના વાડામાંથી બે ગાયો અને બે વાછરડી મળી કુલ ચાર પશુઓ અચાનક અદ્રશ્ય જણાયા હતા. જે બાદ આસપાસમાં શોધખોળ કરવા છતાં પશુઓનો કોઈ પત્તો મળ્યો નહોતો.
દરમિયાન, ગામના અન્ય એક નાગરિક તરફથી સીમ વિસ્તાર તરફ એક શંકાસ્પદ વાહન અવરજવર કરતું જોવા મળ્યાની માહિતી મળતાં, પશુપાલક અને તેમના પરિચિતો સીમના ચરા વિસ્તારમાં તપાસ અર્થે પહોંચ્યા હતા. ત્યાં સ્થળ પર બે પશુઓ મૃત હાલતમાં હોવાના અને તેમના અવશેષો પડ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. આ સમગ્ર મામલે કોઈ અજાણ્યા તત્વો દ્વારા આવી અમાનવીય પ્રવૃત્તિ આચરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી, કલોલ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી જવાબદારો સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવે તેવી પશુપાલકે નમ્ર વિનંતી કરી છે.
