કલોલના અનેક રોકાણકારો કરોડોના કૌભાંડમાં ફસાયા

કલોલના અનેક રોકાણકારો કરોડોના કૌભાંડમાં ફસાયા

Share On
Report By Prashant Leuva

કલોલ શહેરના અનેક નિર્દોષ નાગરિકોના લાખો-કરોડો રૂપિયા અમદાવાદ સ્થિત યુનિક ગ્રૂપની કંપનીઓમાં ફસાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ, યુનિક સ્વયમ (સંયમ) મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી અને ન્યુયો સ્ટાર એન્ટરપ્રાઇઝ લિમિટેડના સંચાલકો રાજકુમાર કૈલાશરાય રાય, રાહુલ રાય, ઉત્કર્ષ રાય, ઉષા રાય અને મેનેજર હસમુખ ડોડીયા દ્વારા ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ તથા એમ.આઇ.એસ.માં ઊંચા વ્યાજ, કમિશન અને વિદેશ પ્રવાસની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લેવાયા હતા.

આ જ મોડસ ઓપરેન્ડી હેઠળ ભુજની મહિલા એજન્ટ મારફતે ૧૧૭ રોકાણકારોના આશરે ₹૧.૧૪ કરોડથી વધુ ઓળવી જતાં ભુજ ‘બી’ ડિવિઝન પોલીસ મથકે BNS તથા GPID એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.

કચ્છના ભુજ, ગાંધીધામ તેમજ મહેસાણા, જામનગર અને ભરૂચ બાદ હવે કલોલના રોકાણકારો પણ આ રાજ્યવ્યાપી કૌભાંડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. પાકતી મુદત પૂરી થઈ જવા છતાં રોકાણકારોને વ્યાજ સહિતની રકમ ચૂકવવાના બદલે સંચાલકો દ્વારા હાથ ઊંચા કરી દેવાયા છે અને ઓફિસો પણ બંધ કરી દેવાઈ છે. કલોલના રોકાણકારોએ પોતાની પરસેવાની કમાણી ગુમાવવાનો વારો આવતાં ભારે રોષ ફેલાયો છે અને હવે સ્થાનિક ભોગ બનનારાઓ પણ સંગઠિત થઈ પોલીસ તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે.

કલોલ સમાચાર