કલોલ નગરપાલિકા ટાઉનહોલની ખુરશીઓ તોડનારી શાળાને છાવરી રહી હોવાનો આરોપ

કલોલ નગરપાલિકા ટાઉનહોલની ખુરશીઓ તોડનારી શાળાને છાવરી રહી હોવાનો આરોપ

Share On

કલોલ નગરપાલિકા ટાઉનહોલની ખુરશીઓ તોડનારી શાળાને છાવરી રહી હોવાનો આરોપ

કલોલ નગરપાલિકાએ લોકોના રૂપિયે ટાઉનહોલ બનાવ્યો તો છે પરંતુ તેની જાળવણી કરવામાં બિલકુલ નિષ્ફળ નીવડી છે. પાલિકા દ્વારા ભાડે ટાઉનહોલ આપવામાં આવે છે પરંતુ તેની દેખરેખ રખાતી નથી. આ સજોગોમાં ટાઉનહોલની અંદર તોડફોડ થઇ હોવાની વિગત સામે આવી છે. કલોલની બે શાળાઓ  દ્વારા એન્યુઅલ ડે ની ઉજવણી માટે ટાઉનહોલ ભાડે લેવામાં આવ્યો હતો. ચાલુ કાર્યક્રમ દરમિયાન શાળામાં છોકરાઓએ અંદર તોફાન કરીને ખુરશીઓ તોડી નાખી હતી. આ સંજોગોમાં કલોલ નગરપાલિકા દ્વારા શાળાઓ વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરવાને બદલે તેને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે.

કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં આવેલ સ્કૂલ દ્વારા ટાઉનહોલમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાર્થીઓએ ધમાલ મચાવી હતી. છાકટા બનેલા છોકરાઓએ પાલિકાની મિલકત એવી ખુરશીઓને નુકશાન પહોંચાડ્યું હતું તેમજ ટેબલ તોડી નાખ્યું હતું. શહેરની જાહેર મિલકતને નુકશાન પહોંચડવાની કુચેષ્ટા કરવામાં આવતા નાગરિકોમાં રોષ ફેલાયો હતો. આ ઘટનાના થોડા સમય બાદ અન્ય એક પ્રાથમિક શાળા દ્વારા પણ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ છોકરાઓ દ્વારા ખુરશીઓને નુકશાન કરવામાં આવ્યું હતું. ટૂંકા ગાળામાં જાહેર મિલકતોને બે વખત નુકશાન પહોંચાડવામાં આવતા શહેરમાં હડકંપ મચી ગયો હતો.જોકે કલોલ નગરપાલિકાએ હજી સુધી કોઈ એક્શન લીધા નથી.

કલોલ શહેરની જાહેર મિલકતને નુકશાન પહોંચાડવાની ઘટના ઘટી હોવા છતાં નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. પાલિકા દ્વારા આ શાળા અને તેના સંચાલકો વિરુદ્ધ કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. કલોલ નગરપાલિકાને પોતાની મિલકતની જાળવણી કરવામાં રસ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. કલોલ પાલિકા દ્વારા શાળાઓને આકરો દંડ ફટકારવામાં આવે તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે. આ સંજોગોમાં કલોલ નગરપાલિકા જાહેર મિલકતોને નુકશાન કરનારા આ શાળાઓ અને તેના સંચાલકો વિરુદ્ધ  ક્યારે કાર્યવાહી કરશે તેની પર સમગ્ર શહેરીજનોની બાજનજર છે.

જાગૃત નાગરિકે જાણ કરી હોવા છતાં પાલિકાને કાર્યવાહીમાં રસ નહી 

કલોલના ટાઉનહોલમાં થયેલ તોડફોડની જાણ એક જાગૃત નાગરિકે નગરપાલિકાના અધિકારીઓ અને પ્રમુખને કરી હતી. તેમ છતાં પાલિકા દ્વારા તેને ધ્યાન પર લેવામાં આવી નહોતી. લોકોની ફરિયાદ પણ ધ્યાન ન આપનારી પાલિકા પોતાના પર રેલો આવે ત્યારે દોડે છે. આ સંજોગોમાં પાલિકા કડક કાર્યવાહી કરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.

કલોલ સમાચાર