કલોલ નગરપાલિકા ‘શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પર આટલી મહેરબાન કેમ, કલોલ સમાચારના ઇન્વેસ્ટિગેશનમાં એજન્સીની લાલિયાવાડીનો પર્દાફાશ

કલોલ નગરપાલિકા ‘શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પર આટલી મહેરબાન કેમ, કલોલ સમાચારના ઇન્વેસ્ટિગેશનમાં એજન્સીની લાલિયાવાડીનો પર્દાફાશ

Share On

કલોલ નગરપાલિકા ‘શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પર આટલી મહેરબાન કેમ, કલોલ સમાચારના ઇન્વેસ્ટિગેશનમાં એજન્સીની લાલિયાવાડીનો પર્દાફાશ

Story By Prashant Leuva 

કલોલ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઈટના કરોડોના કોન્ટ્રાક્ટમાં મહેસાણાની એજન્સી ‘શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ ની બેદરકારી હવે જનતાની નજરે ચડી ગઈ છે. ‘કલોલ સમાચાર’ દ્વારા કરવામાં આવેલા તપાસમાં એક પછી એક એવા પુરાવા સામે આવ્યા છે, જે સાબિત કરે છે કે એજન્સી માત્ર કાગળ પર વહીવટ કરી રહી છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલા પુરાવા હોવા છતાં પાલિકા તંત્ર આ એજન્સી પર એક્શન ક્યારે લેશે?

RTI ના આંકડા મુજબ, ૧૦,૬૪૭ લાઈટો સંભાળવા એજન્સી પાસે માત્ર ૭ કર્મચારીઓનો જ રેકોર્ડ છે. નિયમ મુજબ ૨૦ થી ૨૫ માણસોની જરૂરિયાત સામે માત્ર ૭ માણસો રાખીને એજન્સી લાખો રૂપિયાની ‘બચત’ કરી રહી છે. આ ઉપરાંત, કર્મચારીઓના PF નાણાં ભરવામાં વિલંબ બદલ PF વિભાગે એજન્સી પાસે 7Q અને 14B હેઠળ દંડ પણ વસૂલ્યો છે. જે એજન્સી સરકારી નિયમોનું પાલન નથી કરતી, તેને દર મહિને ₹ ૫.૪૨ લાખનું પેમેન્ટ કયા આધારે ચૂકવાય છે?
તાજેતરમાં કલોલમાં એજન્સી દ્વારા ઉભો કરાયેલો ૩૦ ફૂટ ઊંચો નવો વીજ પોલ નજીવી ટક્કરે પાયામાંથી ઉખડી ગયો. ટેકનિકલ વિશ્લેષણ મુજબ, ૩૦ ફૂટના પોલ માટે ૫ થી ૬ ફૂટ ઊંડું RCC ફાઉન્ડેશન હોવું જોઈએ, જે અહીં માત્ર ૧.૫ થી ૨ ફૂટ જ જોવા મળ્યું. આ ગંભીર બેદરકારી બદલ એજન્સીનો કોન્ટ્રાક્ટ કેમ રદ કરવામાં આવતો નથી?

આટલી મોટી ટેકનિકલ ખામી, સ્ટાફની અછત અને PF વિભાગનો દંડ . આ તમામ પુરાવાઓ હોવા છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ મૌન સેવીને બેઠા છે. શું એજન્સીને બ્લેકલિસ્ટ કરવાને બદલે તેને છાવરવામાં આવી રહી છે? જનતાના ટેક્સના પૈસાથી ચાલતા વહીવટમાં આટલી મોટી લાપરવાહી ક્યાં સુધી ચલાવી લેવાશે?

કલોલની જનતા હવે જાગૃત થઈ છે. જો આવનારા દિવસોમાં આ નબળા વીજ પોલ કે અંધારા રસ્તાઓને કારણે કોઈ જાનહાનિ થશે, તો તેની જવાબદારી નગરપાલિકા અને ‘શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ ની રહેશે. હવે જોવાનું એ રહે છે કે પાલિકા આ એજન્સી પર ક્યારે કડક કાર્યવાહી કરે છે કે પછી ભ્રષ્ટાચારની આ રમત ચાલુ જ રહેશે.

કલોલ સમાચાર