છત્રાલમાં પ્રાણીની બખોલમાં અડધી ફસાયેલી લાશ મળી
Report By Prashant Leuva
કલોલ તાલુકાના છત્રાલ ગામની સીમમાં એક ચોંકાવનારી અને અત્યંત રહસ્યમય ઘટના સામે આવી છે. રોજિંદા ક્રમ મુજબ પોતાના ખેતરે ગયેલા એક ખેડૂતની નજર કાંસની ધાર પાસે પડેલી પ્રાણીની બખોલ પર ગઈ હતી. બખોલ નજીક પહોંચતા જ ખેડૂતના પગ તળેથી જમીન ખસી ગઈ હતી, કારણ કે એક અજાણ્યા યુવકનો મૃતદેહ અત્યંત શંકાસ્પદ અને ભેદી હાલતમાં ત્યાં પડેલો જોવા મળ્યો હતો.
બનાવની સ્થિતિ જોઈને જ કોઈના પણ રવાંડા ઊભા થઈ જાય તેવી હતી. મૃતક યુવકનો કમરથી ઉપરનો આખો ભાગ પ્રાણીની બખોલની અંદર ઘૂસેલો હતો, જ્યારે કમરથી નીચેનો ભાગ બહારની તરફ લટકતો હતો. યુવક આ હાલતમાં બખોલમાં કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત કેવી રીતે થયું, તે દ્રશ્ય જોતાં જ અનેક શંકા-કુશંકાઓ જાગી હતી. આ બિહામણું દ્રશ્ય જોઈ ખેડૂતે સહેજ પણ વાર કર્યા વિના તુરંત જ કલોલ તાલુકા પોલીસ મથકે ફોન કરીને બનાવની જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને સમજીને કલોલ તાલુકા પોલીસનો કાફલો મિનિટોમાં જ છત્રાલના ખેતરે દોડી આવ્યો હતો. આસપાસના ગ્રામજનોને પણ વાતની ખબર પડતાં જ ખેતરમાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિકોની મદદથી મૃતદેહને બખોલમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની ઓળખ થઈ શકી નહોતી અને તેનું મોત કયા અગમ્ય કારણોસર થયું છે તે પણ સ્પષ્ટ થઈ શક્યું નહોતું.
પોલીસે તુરંત જ મૃતદેહનો કબજો મેળવીને તેને પીએમ અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મોતનું સાચું કારણ અને આ રહસ્ય પરથી પરદો ઊંચકવા માટે પોલીસે ફોરેન્સિક સાયન્સ (FSL) ની ટીમની મદદ લઈ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. આ હત્યા છે, અકસ્માત કે પછી કોઈ કાવતરું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
