4 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા કોંગ્રેસ હરકતમાં,  બાકીના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

4 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા કોંગ્રેસ હરકતમાં, બાકીના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

Share On

કલોલ નગરપાલિકાની ચૂંટણીના જંગમાં મતદાન પહેલા જ ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ચાર ઉમેદવારોએ અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસ છાવણીમાં ભારે દોડધામ મચી ગઈ છે અને પક્ષમાં વધુ ગાબડાં ન પડે તે હેતુથી હરકતમાં આવેલી કોંગ્રેસે બાકીના તમામ ઉમેદવારોને બચાવવા માટે વ્યૂહરચના બદલી છે.

​પોતાના ઉમેદવારોને તૂટતા બચાવવા અને વિરોધ પક્ષની તોડજોડની રાજનીતિથી સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસ દ્વારા તમામ બાકી રહેલા ઉમેદવારોને તાત્કાલિક અસરથી અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમેદવારો પર દબાણ ન આવે અને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે તેમને ગુપ્તવાસમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકારના ‘રિઝોર્ટ પોલિટિક્સ’ને કારણે કલોલના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

​ચૂંટણી પૂર્વે સર્જાયેલી આ અસ્થિરતાને જોતા હવે આગામી જંગ વધુ રસાકસીવાળો બનવાની પૂરેપૂરી શક્યતા છે. એક તરફ ભાજપ મજબૂતીથી આગળ વધી રહી હોવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા અને ઉમેદવારોને એકજૂથ રાખવા મરણિયા પ્રયાસો કરી રહી છે. હાલ તો કોંગ્રેસના ઉમેદવારો કયા સ્થળે છે તે રહસ્ય અકબંધ છે, પરંતુ આ ઘટનાક્રમે કલોલ પાલિકાના ચૂંટણી જંગને અત્યંત રસપ્રદ બનાવી દીધો છે.

કલોલ સમાચાર