કલોલ કોંગ્રેસે કલેક્ટરને પત્ર લખી વધારાની સુરક્ષા અને વીડિયોગ્રાફીની માંગ કરી

કલોલ કોંગ્રેસે કલેક્ટરને પત્ર લખી વધારાની સુરક્ષા અને વીડિયોગ્રાફીની માંગ કરી

Share On

કલોલ કોંગ્રેસે કલેક્ટરને પત્ર લખી વધારાની સુરક્ષા અને વીડિયોગ્રાફીની માંગ કરી

કલોલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને લઈને વહીવટી તંત્રને એક મહત્વનો પત્ર લખવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ નાયકે ગાંધીનગર કલેક્ટર અને ચૂંટણી અધિકારીને ઉદ્દેશીને લખેલા આ પત્રમાં આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા દરમિયાન તમામ મતદાન મથકો પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવા અને સમગ્ર મતદાનનું વીડિયો રેકોર્ડિંગ કરવાની ઉગ્ર માંગ કરી છે.

પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉમેદવારી પત્રો ભરાયા બાદ ભાજપ દ્વારા સરકારી તંત્ર અને પોલીસ સત્તાનો દુરુપયોગ કરી કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળના બનાવોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મતદાન મથકો પર મતદારોને ધાક-ધમકી આપવી અને મતદાન એજન્ટોને બૂથ પરથી હટાવવા જેવી પ્રવૃત્તિઓ થતી રહી છે, જેના કારણે હાલમાં કલોલના મતદારોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.

કોંગ્રેસે અગાઉ થયેલા ‘બોગસ મતદાન’ની ફરિયાદોને ધ્યાને રાખીને રજૂઆત કરી છે કે, જો નિષ્પક્ષ અને સુચારૂ સંચાલન જોઈતું હોય તો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અનિવાર્ય છે. લોકો કોઈપણ પ્રકારના ડર વગર સુરક્ષિત રીતે મતદાન કરી શકે તે માટે દરેક મતદાન મથક પર સીસીટીવી અથવા વીડિયોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન વિપક્ષની આ માંગણીઓ પર કેવા પગલાં લે છે.

કલોલ સમાચાર